સતત નબળા થઈ રહેલા રૂપિયાના પરિણામ સ્વરૂપે જાપાનની કાર બનાવતી કંપની ટોયોટા અને જર્મનીની કાર બનાવતી કંપની મર્સિડીઝ બેન્જ દ્વારા દેશમાં પોતાની કાર કંપનીઓની કિંમતમાં વધારો કરવાની તૈયારી કરી લીધી છે. ઉલ્લેખનિય છે કે ડોલરની સરખામણીમાં રૂપિયો નબળો થઈને ૭૨ની સપાટી સુધી પહોંચી ગયો છે. આના પરિણામ સ્વરૂપે વાહન કંપનીઓની ચિંતામાં વધારો થઈ ગયો છે. ટોયોટો કિર્લોસ્કર મોટરના અધિકારી એન.રાજાનું કહેવું છે કે વર્તમાન સમયમાં અમે ઉંચા ખર્ચાઓનો સામનો કરી રહ્યા છીએ. રૂપિયામાં વધુ ઘટાડો થવાના પરિણામ સ્વરૂપે આવનાર દિવસોમાં ઉંચા ખર્ચના પરિણામ સ્વરૂપે કિંમતો વધારવાની ફરજ પડશે. આ ખર્ચને લોકો સુધી પહોંચાડવા માટેના પ્રયાસ થશે. આજ કારણસર કિંમતોમાં વધારો કરવાની ફરજ પડી રહી છે. ટોયોટા કિર્લોસ્કર ભારતમાં કિર્લોસ્કર ગ્રુપ અને જાપાનના ટોયોટા ગ્રુપના સંયુક્ત સાહસ તરીકે છે. રાજાનું કહેવું છે કે કંપની હજુ પણ વિશેષ પ્રકારના સ્પેરપાર્ટ માટે આયાત ઉપર આધારિત છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મોટાભાગના સ્પેરપાર્ટમાં સ્થાનિક ચીજવસ્તુઓની હિસ્સેદારી વધારી દીધી છે પરંતુ હજુ પણ અનેક પ્રકારના સ્પેરપાર્ટ બહારથી મંગાવવામાં આવી રહ્યા છે. ટોયોટા કિર્લોસ્કર ભારતમાં અનેક પ્રકારની કારનું વેચાણ કરે છે. સ્થાનિક રીતે તૈયાર થયેલી હેચડેક કાર ઇંટિયોસ લિવાથી લઈને એસયુવી લેન્ડ ક્રુઝરનો સમાવેશ થાય છે. નિકાસને વધારવાના પ્રશ્નો પર રાજાએ કહ્યું હતું કે કંપનીની ભાવિ યોજનાઓ પર તેઓ કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવા માગંતા નથી પરંતુ સ્પર્ધામાં ટકી રહેવા તૈયાર છીએ.