દસ દિવસના ગણેશ મહોત્સવ બાદ આજે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ગણેશભકતો દ્વારા ભારે હર્ષોલ્લાસ અને ભકિતભાવ વચ્ચે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. દસ દિવસ સુધી પોતપોતાના વિસ્તારમાં વિશાળ પંડાલ-શામિયાણા અને મંડપોમાં પૂજા-વિધી, આરતી અને ભકિત-વંદના કર્યા બાદ આજે લાખો શ્રધ્ધાળુઓ અને ગણેશભકતોએ ભારે હૈયે દાદાની મૂર્તિને વિદાય આપી તેનું વિસર્જન કર્યું, ત્યારે “ગણપતિ બાપ્પા મૌરયા, પુઢચ્યા વરસી લૌકરિયા”ના નારાઓ ગુંજી ઉઠયા હતા. અમદાવાદ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં ગણેશ વિસર્જનને લઇ તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. દાદાના વિસર્જનોત્સવમાં મહિલાઓ, બાળકો સહિત લાખો ગણેશભકતો અને શ્રધ્ધાળુઓએ ભાગ લીધો હતો. ગણપતિ બાપ્પાના વિસર્જન રેલી-સરઘસોને લઇ શહેરના વિવિધ માર્ગો પર આજે ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. અમ્યુકો તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ૩૪થી વધુ કૃત્રિમ જળાશયો(કુંડ) બનાવાયા હોઇ ત્યારે ગણેશભકતો દ્વારા મૂર્તિનું વિસર્જન તેમાં જ કરાયુ હતું. જો કે, તંત્રની ના હોવાછતાં કેટલાક કિસ્સામાં દાદાની મૂર્તિઓનું વિસર્જન સાબરમતી નદીમાં પણ કરાયુ હતું.
દસ-દસ દિવસ સુધી પોતાના ઘેર-ગલીઓ, મહોલ્લા અને મંડપ,પંડાલ અને શામિયાણામાં સેવા-પૂજા અને આરતી કરી દાદાની મોંઘેરી મહેમાનગતિ કર્યા બાદ આજે તેમને વિદાય આપતી વેળાએ કેટલાક ગણેશભકતોની આંખોમાં રીતસરના આંસુ આવી ગયા હતા. ભારે ભકિતભાવ અને હર્ષોલ્લાસ વચ્ચે આજે દાદાનું વિસર્જન સંપન્ન થયું હતું. આજે શહેર સહિત રાજયભરમાં માર્ગો પર ઠેર-ઠેર ગણેશભકતોએ નાની-મોટી ટ્રકો, ટાટા-૪૦૭, જીપ-કાર, રીક્ષા સહિતના વાહનોમાં ડી.જે, મ્યુઝિકના તાલ અને અબીલ ગુલાલની છોળો વચ્ચે સરઘસ-રેલી કાઢી વિસર્જન યાત્રા કાઢી હતી અને બાદમાં નમ આંખો સાથે ભારે હૈય્યે આવતા વર્ષે વહેલા આવવાની દાદાને પ્રાર્થના કરી મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું. ગણેશ મહોત્સવ દરમ્યાન ગણેશભકતો પોતપોતાની શ્રધ્ધા અને આસ્થા પ્રમાણે દાદાની પૂજા-આરાધના કરી હતી અને એક, બે, પાંચ, નવ અને દસ દિવસ સુધી દાદાની સેવા-પૂજાની માનતા માની હતી. આજે ગણેશ મહોત્સવનો છેલ્લો દિવસ હોઇ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ભારે ધામધૂમપૂર્વક અને ઉત્સાહના માહોલ વચ્ચે દાદાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. અમ્યુકો અને વહીવટીતંત્ર દ્વારા દાદાની મૂર્તિઓના વિસર્જનની ખાસ વ્યવસ્થા કરાઇ હતી, તો પોલીસતંત્ર દ્વારા સુરક્ષા અને સલામતીનો પૂરતો બંદોબસ્ત તૈનાત કરાયો હતો. તો, કેટલાક સ્થળોએ વિશાલ ક્રેઇનની પણ મદદ લેવાઇ હતી. આજે મોડી રાત સુધી અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ગણેશ વિસર્જન ચાલ્યું હતું. જેને લઇ રાજયભરમાં ગણેશભકિતનો માહોલ ફરી છવાયો હતો. ગણેશભકતો દાદાને ગણપતિ બાપ્પા મૌરયા, પુઢચ્યા વરસી લૌકરિયા એટલે કે, દાદા આવતા વર્ષે વહેલા પધારજો એમ કહી વિસર્જન કરવામાં આવ્યું હતું. અમદાવાદની જેમ જ વડોદરા, સુરત, રાજકોટ સહિતના સ્થળોએ પણ ગણેશ વિસર્જન દરમ્યાન ગણપતિ બાપ્પા મૌરયા, પુઢચ્યા વરસી લૌકરિયાના નારાઓ ગુંજી ઉઠયા હતા. દાદાની વિસર્જન યાત્રા, રેલી અને સરઘસોને લઇ આજે શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ગો પર ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ગણેશભકતો અબીલ-ગુલાલની છોળો વચ્ચે ઝુમતા-નાચતા, ગણપતિ બાપ્પા મૌરયા, મંગલમૂર્તિ મૌરયા…સહિતના નારાઓ લગાવતાં લગાવતાં વિસર્જન સ્થળોએ પહોંચ્યા હતા, જયાં ભારે ભકિતભાવ સાથે દાદાની પૂજા-આરતી કરી પ્રસાદ વિતરણ કરી શ્રધ્ધાપૂર્વક દાદાની મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું અને તેમને આવતા વર્ષે વહેલા પધારવા ભાવભીનું આમંત્રણ પાઠવ્યું હતું. વિસર્જન વેળાએ કેટલાક ગણેશભકતોની આંખો રીતસરની ભીની થઇ જતાં એક તબક્કે લાગણીસભર દ્રશ્યો પણ સર્જાયા હતા.