વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સમગ્ર દેશમાં આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. સમગ્ર દેશના લોકોના આરોગ્ય સુખાકારી માટેની સૌથી મોટી આ યોજનાના શુભારંભમાં સહભાગી બનવા બોટાદ ખાતે મંત્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતુ કે, આઝાદી બાદ અનેક યોજનાઓ બની છે, પરંતુ સામાન્ય માણસને કેન્દ્રમાં રાખીને તેના આરોગ્યની સુખાકારી માટેની આટલી મોટી યોજના અત્યાર સુધીમાં કયારેય પણ નથી બની. બોટાદ જિલ્લાના ૨૮ હજારથી વધુ પરિવારોના ૧.૫૦ લાખ લોકોને પણ આ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ મળશે. આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના પરિણામે આગામી સમયમાં અનેકવિધ નવી હોસ્પિટલો ઉપલબ્ધ બનશે. જેના કારણે રોજગારીની નવી તકો ઉભી થશે. અને માંદગીના કારણે ગરીબીનો સામનો કરતાં અનેક પરિવારો ગરીબીમાંથી બહાર આવશે. આ પ્રસંગે મંત્રી તથા મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને ગોલ્ડન કાર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના પ્રારંભમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. ઓ. માઢકે ઉપસ્થિત સૌનું શાબ્દીક સ્વાગત કર્યું હતુ. જ્યારે જિલ્લા વિકાસ અધિકારી આશીષ કુમારે આભાર વિધી કરી હતી.