ભાવનગર, તા.ર૩
શહેરના ઘોઘારોડ પરથી એક યુવક મંડળ ગણપતિ વિસર્જન માટે કુડા ગામે ગયું હતું. જ્યાં મૂર્તિ વિસર્જન દરમ્યાન ૩ યુવાનો પાણીમાં ડુબતા ર વ્યક્તિઓને બચાવી લેવાયા હતા. જ્યારે ૧ યુવાન સમુદ્રના ઉંડા પાણીમાં ગુમ થયો છે.
સમગ્ર બનાવ અંગે સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ઘોઘારોડ પર શિતળા માતાના મંદિર પાસે આવેલ મારૂતિનગરમાં સ્થાનિક યુવા મંડળ દ્વારા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજે વિસર્જનનો દિવસ હોય મોટીસંખ્યામાં યુવાનો વાહનમાં મૂર્તિ સાથે ઘોઘા પાસે આવેલ કુડા ગામના દરિયામાં મૂર્તિ વિસર્જન માટે ગયા હતા. જે દરમ્યાન મૂર્તિ વિસર્જન વેળા ત્રણ યુવાનો સમુદ્રના વમમાં ફસાઈ તણાવા લાગતા સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત બાદ ડુબી રહેલ ત્રણ પૈકી ર યુવાનોને મહામહેનતે બહાર કાઢ્યા હતા પરંતુ એક યુવાન તણાઈને લાપતા બન્યો હતો. જ્યારે બચાવી લેવાયેલ વિજય રમણ રાઠોડ ઉ.વ.૩૦ તથા મુન્ના મકવાણાને બેશુધ્ધ હાલતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ ઘોઘા પોલીસ મથકને થતા કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને દરિયામાં ગુમ થયેલ યુવાનને શોધવા અભિયાન હાથ ધર્યુ હતું.