ગણેશજીની પ્રતિમાઓનું નિષ્કલંકના દરિયામાં વિસર્જન

1204

શહેર-જિલ્લાના સેંકડો શ્રધ્ધાળુઓ દ્વારા ગરવા ગણેશજીના સતત ૧૧ દિવસ સુધી ભારે ધામધૂમપૂર્વક ભક્તિભાવથી પરોણાગત કર્યા બાદ ભાદરવા સુદ પૂનમના રોજ પાર્વતી નંદનને જળ વિસર્જીત કરી ભાવભરી વિદાય આપી છે તો આજથી સર્વપિતૃઓના મહાપર્વ શ્રાધ્ધ પક્ષનો પ્રારંભ થઈ રહ્યો છે.

ભાવનગર શહેર-જિલ્લામાં ભાદરવા સુદ ચોથના રોજ ભારે ધર્મ-ભક્તિના માહોલ વચ્ચે ગણેશોત્સવનો દબદબાભેર પ્રારંભ થયો હતો. જેમાં શ્રધ્ધાળુઓ એક, ત્રણ, પાંચ, અગિયાર દિવસના સંકલ્પ ટુંકમાં શક્તિ એવી ભક્તિ મુજબ ગણપતિજીની સ્થાપના સેવા-પૂજા બાદ મૂર્તિઓનું જળ વિસર્જન કરવામાં આવ્યું હતું પરંતુ શહેરના આંગણે મોટાપાયે અને ભવ્ય આયોજનો કરવામાં આવ્યા હતા. તેઓએ વિધિસર આજરોજ પૂનમના અંતિમ દિવસે વાજતે-ગાજતે વિસર્જન કર્યુ હતું. વહેલી સવારથી જ ઘોઘા, કુડા, કોળીયાક તરફ જતા માર્ગો પર વાહનોની સતત અવર-જવર સાથે ઠેર-ઠેર ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા. શહેરના વડવા પાનવાડી, રૂપાણી, દિવડી, ઘોઘાસર્કલ, ક્રેસન્ટ, માણેકવાડી, આતાભાઈ ચોક, સરદારનગર, ઘોઘા જકાતનાકા સહિતના આયોજકો દ્વારા આજરોજ વિવિધ જળાશયો ખાતે ગણપતિ મહારાજની મૂર્તિનું વિસર્જન કરી ભાવભરી વિદાય આપી હતી.

આ ગણપતિ ઉત્સવના સમાપન સાથે આજથી પિતૃઓના પર્વ મહાલય શ્રાધ્ધ પક્ષનો પ્રારંભ થશે. ૧૬ દિવસ દરમ્યાન અવસાન પામેલા વ્યક્તિઓના સ્વજનો દ્વારા આ પર્વ અન્વયે પિતૃઓને તૃપ્ત કરવા વિવિધ ધર્મકર્મ કરવામાં આવશે. જે વ્યક્તિનું મૃત્યુ આજથી ત્રણ વર્ષ પૂર્વે થયું હોય એવા વ્યક્તિને શાસ્ત્ર આજ્ઞા અનુસાર બ્રાહ્મણની ઉપસ્થિતિમાં સદ્દગતને શ્રાધ્ધમાં ભેળવવા (વિલીન) કરવામાં આવશે. વૈદિક વિધિ તથા કાગવાસ બાદ બ્રહ્મભોજન અને કુટુંબ ભોજન થકી સદ્દગત માટેની શ્રાધ્ધક્રિયાઓ કરવામાં આવશે. આ ૧૬ દિવસ દરમ્યાન અલગ-અલગ તિથિ મુજબ શ્રાધ્ધ કર્મ કરવામાં આવે છે તેમજ પિતૃતર્પણ, નારાયણબલી, પ્રેતબલી જેવા યજ્ઞો થકી પિતૃકર્મ કરી યથાશક્તિ દાન પણ સદ્દગૃહસ્થો દ્વારા આપવામાં આવશે.

Previous articleસ્વાઈનફલુથી બોટાદની વૃધ્ધાનું મોત
Next articleનાગરિક બેંકનો ચૂંટણી જંગ જીતુભાઈ જીત્યા