તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાયેલ ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસને હવે સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને દરરોજના બે ટ્રીપમાં ૪પ૦ થી પ૦૦ લોકો મુસાફરી કરી રહ્યાં હોવાનું જાણવા મળેલ છે. આગામી સમયમાં બન્ને ટ્રીપો ફુલ જાય તેવી પણ શક્યતાઓ રહેલી છે.
રૂા.૬પ૦ કરોડ ઉપરાંતના ખર્ચથી તૈયાર થયેલ ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસનું તાજેતરમાં જ લોકાર્પણ થયા બાદ દરરોજની બે ટ્રીપ શરૂ કરવામાં આવી છે. જેમાં ઘોઘાથી દરરોજ સવારે ૧૧-૦૦ અને સાંજે પ-૦૦ કલાકે જ્યારે દહેજથી સવારે ૯-૦૦ અને બપોરે ૩-૦૦ કલાકનો સમય રાખવામાં આવ્યો છે. એક સપ્તાહમાં જ રો-રો ફેરી સર્વિસને સારો પ્રતિસાદ મળવો શરૂ થઈ ચુક્યો છે અને દરરોજના ૮૦૦ની કેપેસીટી સામે ૪પ૦ થી પ૦૦ જેટલા મુસાફરો મળી રહ્યાં છે. ભાવનગરમાં પરાગ ટ્રાવેલ્સને કામ સોંપવામાં આવ્યું છે. જ્યારે ઓનલાઈન બુકીંગ પણ કરાઈ રહ્યું છે. ભાવનગરથી ઘોઘા જવા માટે સવારે ૯-૩૦ કલાકે તેમજ બપોરે ૩-૩૦ કલાકે બસ સુવિધા શરૂ કરાઈ છે. જેનું ભાડુ રૂા.૪૦ રાખવામાં આવ્યું છે. જ્યારે દહેજથી સુરત જવા માટે પણ કનેક્ટીવીટી શરૂ કરાઈ છે. જેમાં રૂા.ર૦૦ ભાડુ રાખવામાં આવ્યું છે.