બીએસફ જવાનની બર્બર હત્યા અને ત્યારબાદ જમ્મુ-કાશ્મીરના ત્રણ પોલીસ કર્મીઓનું અપહરણ કરીને તેમની ઘાતકી હત્યા બાદ ભારતમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું છે. આજે આર્મી ચીફ જનરલ બિપીન રાવતને જ્યારે સર્જિકલ સ્ટ્રાઈકના સંદર્ભમાં પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે મહત્વપૂર્ણ સંકેત આપ્યા હતા. પડોશી દેશને બોધપાઠ ભણાવવા ભારત ફરીવાર સર્જિકલ સ્ટ્રાઈકર કરશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા બિપીન રાવતે કેટલાક સંકેત આપ્યા હતા. રાવતે કહ્યું હતું કે સર્જિકલ સ્ટ્રાઈક હંમેશા સરપ્રાઈઝની જેમ હોય છે. આને સસ્પેન્સ રાખવાની જરૂર પડે છે.
ભવિષ્યના જંગના સંદર્ભમાં રાવતે કહ્યું હતું કે જો અમે ભવિષ્યના જંગ અંગે વિચારીએ છે તો તેના માટે દરેક પ્રકારની ટેકનોલોજીની જરૂર રહેશે. અમને ફરીથી ઓર્ગેનાઈઝ કરવાની જરૂર રહેશે. હથિયારો અને જવાનોમાં તાલમેલ બેસાડવા પડશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ન્યૂયોર્કમાં થનારી વાતચીત હાલમાં જ રદ કરી દેવામાં આવી છે. બિપીન રાવતે કહ્યું હતું કે સરકારનો આ નિર્ણય બિલકુલ યોગ્ય છે કારણ કે ત્રાસવાદી ઘટનાઓ અને વાતચીત બંને એકસાથે થઈ શકે નહીં. સેના પ્રમુખે કહ્યું હતું કે જ્યારે ઈમરાનખાન પાકિસ્તાનમાં સત્તામાં આવ્યા ત્યારે તેઓએ શાંતિના કેટલાક સંદેશ મોકલવાના પ્રયાસ કર્યા હતા પરંતુ સમગ્ર પાકિસ્તાન શાંતિ ઈચ્છે છે કે કેમ તે મોટો પ્રશ્ન છે. જનરલ રાવતે કહ્યું હતું કે પાકિસ્તાન કાશ્મીરમાં હિંસાની ગતિવિધિને જારી રાખવા ઈચ્છુ છે અને તેમની ઈચ્છા છે કે તે ભારતને હંમેશા રક્તરંજિત કરે. પાકિસ્તાન સરકારને યોગ્ય પગલાં લેવા પડશે. રાવતે એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાન કાશ્મીરમાં હિંસાની સ્થિતિને જાળવી રાખવા માટે ઈચ્છુક છે. જનરલ રાવતે કહ્યું હતું કે ખીણમાં શાંતિ સ્થાપિત કરવા માટે સેના દ્વારા બનતા તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે.