ભારતીય જનતા પક્ષના પ્રમુખ અમિત શાહે જણાવ્યું હતું કે બંગલાદેશી નિરાશ્રિતો ઊધઇ જેવા છે અને મતદાર યાદીમાંથી દરેકના નામ દૂર કરવામાં આવશે. તાજેતરમાં આસામમાં જાહેર થયેલા નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (એનઆરસી) વિશે વાત કરતા શાહે જણાવ્યું હતું કે ભાજપ સરકારે એનઆરસી જાહેર કરાવ્યું અને પ્રાથમિક તપાસમાં ૪૦ લાખ ગેરકાનૂની નિરાશ્રિતો હોવાની વાત જાણવા મળી હતી. સવાઇ માધોપુર જિલ્લાના ગંગાનગરમાં એક સભાને સંબોધતી વખતે શાહે વધુમાં જણાવ્યું હતું કે ભાજપ સરકાર દરેક ઘૂસણખોરને શોધી શોધીને મતદાર યાદીમાંથી હટાવવાનું કામ કરશે.
આ વર્ષના અંતમાં રાજસ્થાનમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીની તૈયારી ભાજપ અને કૉંગ્રેસે શરૂ કરી છે તથા શાહ આ વર્ષની શરૂઆતમાં પણ રાજસ્થાનની મુલાકાતે ગયા હતા. ગંગાનગર બાદ તેઓ કોટામાં સભાને સંબોધવા જવાના હતા.
શાહે કૉંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું હતું કે કૉંગ્રેસ પાસે ન તો નેતા છે અને ન નીતિ માટે એ દેશનું કશું ભલું કરવાનો નથી.
રાહુલ ગાંધીને રાહુલ બાબા તરીકે સંબોધતા શાહે જણાવ્યું હતું કે ભાજપે કરેલા કામનો એ હિસાબ માગી રહ્યો છે, ત્યારે દેશની જનતા એની પાસેથી એની ચાર પેઢીએ કરેલા કામનો હિસાબ જાણવા માગે છે.