હરિયાણાના રેવાડીમાં વિદ્યાર્થીની સાથે ગેંગરેપના બે મુખ્ય આરોપીને પોલીસે આખરે પકડી પાડ્યા છે. બંને આરોપીઓને પોલીસે પ્રદેશના જ મહેન્દ્રગઢ જિલ્લામાંથી પકડી પાડ્યા છે. પોલીસે તેમને આજે વહેલી પરોઢે પકડી પાડ્યા હતા. જોકે બપોરના ગાળામાં તેમને પકડી પડાયા હોવાના અહેવાલને સમર્થન આપવામાં આવ્યુ ંહતું. મામલાની તપાસ માટે રચવામાં આવેલી એસઆઈટી દ્વારા આરોપી પંકજ અને મનિષને પકડી પાડ્યા છે. આ ઘટનાના માસ્ટર માઈન્ડ નિસુની પહેલાથી જ ધરપકડ કરવામાં આવી ચુકી છે. ૧૨મી સપ્ટેમ્બરના દિવસે રેવાડીના નવાગામની ૧૯ વર્ષીય વિદ્યાર્થીનીની સાથે ગેંગરેપના મામલામાં પોલીસ દોષિતોની શોધખોળ કરી હતી.
નિસુ ઉપરાંત આ કેસમાં બે અન્ય આરોપી ડૉ.સંજીવ અને ટ્યુબવેલ માલિક દિનદયાલને પણ પહેલાથી જ પકડી પાડવામાં આવી ચુક્યા છે. ત્રણેયને ૧૪ દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી ચુક્યા છે.
પોલીસના કહેવા મુજબ ૧૯ વર્ષની વિદ્યાર્થીની પર બળાત્કાર સંબંધિત કાવતરું નિસુ દ્વારા ઘડી કાઢવામાં આવ્યું હતું. ભોગ બનેલી યુવતીને નશાના ઈન્જેકશન આપી દેવાયા હતા. ત્યારબાદ બર્બરતાપૂર્વક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. એફઆઈઆરમાં હજુ સુધી ત્રણ લોકોના નામ છે પરંતુ ડઝન જેટલા શખ્સો આમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. તબીબોના કહેવા મુજબ પીડિતા સુધી તેઓ પહોંચ્યા ત્યાં સુધી બ્લડપ્રેશર ખૂબ ઓછુ થઈ ગયું હતું. હવે ધીમી ગતિએ તેમાં સુધારો થઈ ગયો છે. બે શખ્સોને પકડી પાડવામાં આવ્યા બાદ અન્યોની પણ શોધખોળ ચાલી રહી છે. માસ્ટર માઈન્ડ નિસુ અને અન્યની પૂછપરછના આધાર ઉપર નવી વિગત સપાટી પર આવે તેમ માનવામાં આવે છે. રેવાડી ગેંગરેપને લઈને હરિયાણામાં ભારે હોબાળો મચી ગયો હતો.