વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિશ્વની સૌથી મોટી સરકાર પ્રાયોજિત આરોગ્ય સંભાળની યોજના આયુષ્યમાન ભારત સ્કીમને લોન્ચ કરી દીધી હતી. આ યોજનાને લઈને છેલ્લા કેટલાક દિવસથી તૈયારીઓ ચાલી રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી યોજના તરીકે આને જોવામાં આવે છે. કેટલાક લોકો આને મોદીકેર નામ પણ આપી રહ્યા છે. આ યોજનાથી ૫૦ કરોડથી વધુ લોકોને સીધો ફાયદો થશે. આયુષ્યમાન ભારત યોજનાને દેશને સમર્પિત કરતા મોદીએ કહ્યું હતું કે આવનાર દિવસોમાં વિશ્વના દેશો આ યોજનાને લઈને અભ્યાસ હાથ ધરવામાં આવશે. ખૂબ ટુંકા ગાળામાં આ મહાકાય સ્કીમ માટેની રૂપરેખા તૈયાર કરવામાં આવ્યા બાદ જમીન ઉપર ઉતારી દેવામાં આવી છે. ગરીબ લોકોની સેવા કરવામાં આ સ્કીમ ગેમ ચેન્જર તરીકે સાબિત થશે. રવિવારના દિવસથી આને શરૂ કરી દેવામાં આવ્યા બાદ ૨૫મીથી આને વિધિવત રીતે આને અમલી કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે ગરીબોમાં મફતમાં આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઝારખંડના રાંચીમાંથી મોદીએ મહત્વકાંક્ષી યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અથવા તો આયુષ્યમાન ભારત યોજનાને લોન્ચ કરી હતી. દુનિયાના સૌથી મોટા હેલ્થ પ્રોગ્રામને દેશના ૨૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૪૪૫ જિલ્લામાં એક સાથે શરૂ કરવામાં વ્યો છે. આ સ્કીમ હેઠળ ૧૦ કરોડ પરિવારો એટલે કે આશરે ૫૦ કરોડ લોકોને વાર્ષિક પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા મળશે.
આ યોજના આજે લોન્ચ કરવામાં આવ્યા બાદ બે દિવસ પછી ૨૫મી સપ્ટેમ્બરના દિવસે પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મ જયંતિના દિવસે વિધિવત રીતે શરૂ થશે. આ સ્કીમ હેઠળ ૧૦.૭૪ કરોડ પરિવારોના ૫૦ કરોડ લોકોને લાભ થશે. જેમાં આઠ કરોડ ગ્રામીણ પરિવાર છે. ૨.૪ કરોડ શહેરી પરિવાર છે. આ રીતે દેશની આશરે ૪૦ ટકા વસ્તીને આ યોજના હેઠળ મેડિકલ કવર મળશે. લાભાર્થી પરિવાર પેનલમાં સામેલ રહેલી સરકારી હોસ્પિટલ અથવા તો ખાનગી હોસ્પિટલમાં વર્ષે પાંચ લાખ રૂપિયા સુધી કેશલેસ સારવાર લઈ શકશે. આ હેઠળ સારવાર સંપૂર્ણપણે કેશલેસ રહેશે. આ સ્કીમની શરૂઆત દેશના ૧૦ હજાર સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ગરીબ માટે ૨.૬૫ લાખ બેડની સુવિધા ઉપલબ્ધ થશે. એટલું જ નહીં આ યોજના પર થનાર ખર્ચને કેન્દ્ર અને રાજ્ય સરકારો મળીને ઉઠાવશે. મહત્વકાંક્ષી યોજના પર ૬૦ ટકા ખર્ચ કેન્દ્ર સરકાર અને ૪૦ ટકા ખર્ચ રાજ્ય સરકારો પર પડશે. વર્તમાન નાણાકીય વર્ષમાં આ યોજનાના પરિણામ સ્વરૂપે કેન્દ્ર ઉપર ૩૫૦૦ કરોડ રૂપિયાનો બોજ પડશે. ૨૦૧૮-૧૯ના બજેટમાં કેન્દ્ર સરકાર આને લઈને ૨૦૦૦ કરોડ રૂપિયાની ટોકન રકમ આપી ચુકી છે. વડાપ્રધાન મોદીએ આજે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે અમારા દેશમાં પ્રાચિન લોકોએ આરોગ્યને લઈને સપનું નિહાળ્યું હતું. અમે આ સંકલ્પને પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. સમાજના છેલ્લા તબક્કામાં રહેલા લોકોને સારવાર મળે તેનો મુખ્ય હેતુ રહેલો છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે આયુષ્યમાન ભારતના સંકલ્પની સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ થઈ રહી છે. તેમણે દાવો કરતા કહ્યું હતું કે સમગ્ર યુરોપિયન દેશોની વસ્તી, અમેરિકા, કેનેડા અને મેક્સિકોની વસ્તી કરતા પણ વધુ લોકોને આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળનાર છે. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું હતું કે દેશમાં વધુ સારી તબીબી સુવિધા મળે તેનો હેતુ રહેલો છે. હેલ્થ સેકટરની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે લોકો સારી રીતે જાણે છે કે જ્યારે પરિવારમાં કોઈ વ્યક્તિને હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે ત્યારે પરિવારની પરસેવાની કમાણી તરત ખતમ થઈ જાય છે અને પરિવાર મુશ્કેલીમાં આવી જાય છે. મોદીએ ઉમેર્યું હતું કે તેઓે ગરીબીમાં રહેલા છે અને ગરીબીને સારી રીતે જાણે છે. અમે બીમારીની જડને પકડીને ગરીબીમાંથી દેશને મુક્તિ આપવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. છેલ્લા બે ત્રણ વર્ષના ગાળામાં જ પાંચ કરોડથી વધુ ગરીબ લોકો ગરીબીમાંથી બહાર આવી રહ્યા છે. આયુષ્યમાન ભારત શરૂ થયા બાદ લાખો કરોડોની સંખ્યામાં રોજગારીની તકો ઉભી થશે. નવી નવી હોસ્પિટલો બનશે. નવા તબીબો તૈયાર થશે. તેમણે ઉમેર્યું હતું કે દરેક ગરીબ પરિવાર ૧૪૫૫૫ હેલ્પલાઈન નંબર યાદ રાખે. આ નંબર ઉપર તમામ માહિતી મળી શકશે. મોદીએ આરોગ્યના ક્ષેત્રમાં કરવામાં આવેલા કામોનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે ચાર વર્ષમાં દેશમાં દોઢ લાખ વેલનેસ સેન્ટર તૈયાર કરાયા છે.
ચાર વર્ષમાં દેશમાં ૧૪ નવા એમ્સને મંજુરી અપાઈ છે. દરેક રાજ્યમાં ઓછામાં ઓછા એક એમ્સનું નિર્માણ થયું છે. ૮૨ નવી સરકારી મેડિકલ કોલેજ બની રહી છે. ભવિષ્યમાં એક લાખ ડોકટર તૈયાર કરવાની ક્ષમતા વિકસિત થશે.