શ્રીલંકા ક્રિકેટ બોર્ડે એશિયા કપમાં ટીમના ખરાબ પ્રદર્શનના કારણે એન્જલો મેથ્યુસને સુકાની પદેથી હટાવી દીધો હતો. આગામી ઇંગ્લેન્ડ પ્રવાસ માટે તેના સ્થાને દિનેશ ચંદીમલને સુકાની બનાવવામાં આવ્યો છે. ૩૧ વર્ષીય મેથ્યુઝ બોર્ડના આ વલણથી ઘણો ગુસ્સામાં છે. વન-ડે અને ટી-૨૦ ટીમના કેપ્ટનપદેથી હકાલપટ્ટી કરતા તેણે બંને ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની ધમકી આપી છે.
મેથ્યુઝે શ્રીલંકા ક્રિકેટને પત્ર લખીને કહ્યું છે કે એશિયા કપમાં બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સામે શ્રીલંકાના ખરાબ પ્રદર્શન માટે મને બલિનો બકરો બનાવ્યો છે. બોર્ડે આ પહેલા એક નિવેદનમાં કહ્યું હતું કે નેશનલ પસંદગીકારોએ મેથ્યુઝને તત્કાલ પ્રભાવથી કેપ્ટનશિપ છોડવાનો આગ્રહ કર્યો હતો. એ કારણ આપવામાં આવ્યું નથી કે તેને કેમ હટાવવામાં આવ્યો છે.
એશિયા કપમાં ટીમના ખરાબ પ્રદર્શનના કારણે મેથ્યુઝના કેપ્ટનશિપની ટિકા થતી હતી. શ્રીલંકાની ટીમનો આ ટૂર્નામેન્ટમાં અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સામે પરાજય થયો હતો.
ચંદીમલ પહેલા જ ટેસ્ટ ટીમનો સુકાની હતો અને હવે તે ત્રણેય ફોર્મેટમાં દેશની આગેવાની કરશે. શ્રીલંકા ઇંગ્લેન્ડ સામે ૧૦ ઓક્ટોબરથી શરૂ થનાર પ્રવાસમાં ૫ વન-ડે, એક ટી-૨૦ મેચ અને ૩ ટેસ્ટ રમશે.