ભરૂચની હોસ્પિટલનો પૂર્વ કર્મચારી આંતકવાદી તરીકે પકડાતાં ભાજપ દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય દિગ્ગજ નેતા એહમદ પટેલ પર કરેલા ગંભીર આક્ષેપોનો આજે એહમદ પટેલે જોરદાર જવાબ આપ્યો હતો. ભાજપ પર સણસણતા ચાબખા વરસાવતાં એહમદ પટેલે જણાવ્યું હતું કે, જો વાત માત્ર હોસ્પિટલની જ હોય તો, આ હોસ્પિટલનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદીએ કર્યું હતું, તો તેમની સામે કેમ આક્ષેપો નથી થતાં. વળી, રાષ્ટ્રવાદ એ ભાજપ પાસેથી શીખવાની કોંગ્રેસે જરૂર નથી. કોંગ્રેસના લોહીમાં રાષ્ટ્રવાદની ભાવના કેળવાયેલી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા એહમદ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, હોસ્પિટલના ટ્રસ્ટી તરીકે મેં ૨૦૧૫માં જ રાજીનામું આપી દીધુ હતું તો ય મારી પર ભાજપે ગંભીર આક્ષેપો કરી ગંદા રાજકારણને રંગ આપ્યો પરંતુ તો આ હોસ્પિટલનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે તે વખતે કર્યું હતું તો કેમ ભાજપ આ મુદ્દે મૌન સેવીને બેઠી છે. આંતકવાદી પ્રવૃત્તિઓ સાથે કોંગ્રેસ પક્ષને કોઇ લેવાદેવા નથી કારણ કે, કોંગ્રેસના લોહીમાં અને નસેનસમાં રાષ્ટ્રવાદ અને દેશપ્રેમ છે.