પ્રતિષ્ઠિત એશિયા કપ ક્રિકેટમાં ભારતીય ટીમ આવતીકાલે અફઘાનિસ્તાન સામે રમનાર છે. ભારતીય ટીમ પહેલાથી જ ટોપ પર છે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે વર્તમાન એશિયા કપમાં હજુ સુધી એક પણ મેચ ગુમાવી નથી. આવી સ્થિતીમાં તે જીતના સિલસિલાને જાળવી રાખવા માટે સજ્જ છે. આવતીકાલે રમાનારી મેચમાં ભારતીય ટીમ કેટલાક નવા ચહેરાને તક આપી શકે છે. અફઘાનિસ્તાન સુપર ફોરમાં તેમની સતત બે મેચ હારીને હવે બહાર થઇ ગયુ છે. બીજી બાજુ ભારતીય ટીમે તમામ મેચો જીતીને ક્રિકેટ ચાહકોને રોમાંચિત કરી દીધા છે. અફઘાનિસ્તાન સામેની મેચ માત્ર ઔપચારિતા સમાન રહેનાર છે. જો કે ક્રિકેટ ચાહકો ભારતીય ટીમ પાસેથી જોરદાર દેખાવની અપેક્ષા રાખી રહ્યા છે. ગઇકાલે રવિવારના દિવસે રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાન પર સતત બીજી મોટી જીત મેળવી હતી. પાકસ્તાને પ્રથમ બેટિંગ કરતા સાત વિકેટે ૨૩૭ રન કર્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ માત્ર એક વિકેટ ગુમાવીને ૨૩૮ રન કરીને આ મેચ જીતી ગઇ હતી. પાકિસ્તાન પર વર્તમાન એશિયા કપમાં ભારતની આ બીજી જીત હતી. જીતવા માટેના ૨૩૮ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમે આ રન માત્ર ૩૯.૩ ઓવરમાં બનાવી લીધા હતા. ભારત તરફથી શિખર ધવને ૧૦૦ બોલમાં ૧૬ ચોગ્ગા એ બે છગ્ગા સાથે ૧૧૪ રન કર્યા હતા. જ્યારે કેપ્ટન રોહિત શર્માએ ૧૧૯ બોલમાં સાત ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી ૧૧૧ રન કર્યા હતા. પ્રથમ વિકેટની રેકોર્ડ ૨૧૦ રનની ભાગીદારી થઇ હતી. ભારતીય ટીમે સરળતાથી મેચ જીતી લીધી હતી.