પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા છેલ્લાં કેટલાંય સમયથી અનામતની માંગને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે. પાસના કન્વીનર અને પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલે તાજેતરમાં જ આમરણાંત ઉપવાસ આંદોલન કરી પોતાની માંગણીઓ સરકાર પાસે મનાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેનો આ પ્રયાસ નિષ્ફળ રહ્યો અને આમરણાંત ઉપવાસનું આંદોલન સમેટી લેવું પડયું હતું ત્યારે હવે હાર્દિકે ફરી પોતાના નવા આંદોલનની જાહેરાત કરી હતી અને પોતાની માંગણીઓને લઇ હવે આગામી તા.૨જી ઓકટોબરથી ગાંધી જયંતિના દિનથી સમગ્ર ગુજરાતભરમાં પ્રતિક ઉપવાસ આંદોલન કરવાની જાહેરાત કરી હતી. આગામી તા.૨જી ઓક્ટોબરે મોરબીનાં બગથળા ગામમાં હાર્દિક પટેલ પોતાનાં પ્રતિક ઉપવાસની શરૂઆત કરશે. મહત્વનું છે કે, હાર્દિક પોતાની ત્રણ માંગોને લઈને આગામી પ્રતિક ઉપવાસનું આંદોલન શરૂ કરી રહ્યો છે.
પાટીદાર સમાજને અનામત, ખેડૂતોનું દેવું માફ અને અલ્પેશ કથિરીયાની જેલ મુક્તિની માંગ સાથે હાર્દિક પટેલ પ્રતિક ઉપવાસ પર બેસશે અને તમામ જિલ્લાનાં સેન્ટરો પર પાસ સમિતિ દ્વારા આવેદનપત્ર સ્થાનિક સત્તાધીશોને આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ હાર્દિક તા.૨૫મી ઓગસ્ટથી સતત ૧૯ દિવસ ઉપવાસ આંદોલન પર બેઠો હતો. જેમાં ખેડૂતોનાં દેવા માફી, પાટીદારોને અનામત અને અલ્પેશ કથિરીયાની જેલ મુક્તિની માંગણી જેવાં ત્રણ મુખ્ય મુદ્દાઓ હતાં. આ સાથે જ હાર્દિકે સરકારની મુશ્કેલીઓમાં પણ વધારો કર્યો હતો. સતત ૧૯ દિવસ સુધી અન્ન અને ૨ દિવસ સુધી જળનો પણ ત્યાગ હાર્દિકે કર્યો હતો. આ દરમ્યાન કેટલાંય રાજકીય નેતાઓ તેમજ નામચીન હસ્તીઓ પણ તેને મળવા માટે આવી હતી. કોંગ્રેસે ટેકો જાહેર કરતાં હાર્દિક પટેલનાં ઉપવાસને ભાજપે પણ કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યો હતો. જો કે અંતે સતત ૧૯ દિવસનાં ઉપવાસ બાદ હાર્દિક પટેલે પારણાં કરી લીધાં હતાં. મહત્વનું છે કે પાટીદાર અનામત આંદોલન સમિતિનાં કન્વીનર હાર્દિક પટેલે કાગવડ સ્થિત ખોડલધામ ટ્રસ્ટનાં ચેરમેન અને પાટીદાર સમાજનાં આગેવાન નરેશ પટેલ તેમજ અન્ય પાટીદાર અગ્રણીઓનાં હસ્તે અંતે ૧૯માં દિવસે પારણાં કર્યાં હતાં. પારણાં કર્યા બાદ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, સમાજ સામે ઝુકીશ, સરકાર સામે નહીં. ઉપવાસનાં પારણાં સમાજનાં માન માટે કર્યાં છે. પારણાં ફકત વડીલોનાં માન-સન્માન માટે કર્યાં છે. હું સરકાર સામે ઝુકીશ નહીં. મારું આંદોલન અને લડત ચાલુ રહેશે. તે મુજબ હાર્દિકે આજે તેના પ્રતિક ઉપવાસના આગામી આંદોલનની જાહેરાત કરી હતી.