મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં માર્ગોને વિકાસની ધોરી નસ ગણાવતાં કહ્યું કે, શરીરમાં જેમ ધોરી નસ લોહીનું ભ્રમણ સરળતાએ કરાવે છે તેમ રાજ્યના હાઇવે-માર્ગો વિકાસની ધોરી નસ બને તેવી આપણી નેમ છે. આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે માર્ગ સુવિધાના ઇન્ફ્રાસ્ટ્રકચર સહિત શિક્ષણ, આરોગ્ય, સર્વિસ સેકટર તમામ ક્ષેત્રોમાં સુવિધાઓ વિકસાવીને ગુજરાતને વિકાસના વૈશ્વિક બેન્ચમાર્ક સર કરાવ્યા છે. મુખ્યમંત્રીએ રાજ્યના માર્ગ-મકાન વિભાગ અને કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન રાજમાર્ગ મંત્રાલય દ્વારા નિર્માણ થનારા સરખેજ-ગાંધીનગર-ચિલોડા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૧૪૭ના ૮૪૭ કરોડના ખર્ચે છ માર્ગીયકરણના કામનો શિલાન્યાસ કર્યો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા અને ગણમાન્ય મહાનુભાવો આ અવસરમાં જોડાયા હતા. વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોના સમયમાં જે અન્યાયો અને વિકાસ વિરોધી માનસિકતાનો સામનો કર્યો તેનું બમણા વિકાસ કામોથી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સાટું વાળી રહી છે. તેમણે ઉમેર્યુ કે, છેલ્લા ચાર વર્ષમાં કેન્દ્રની નરેન્દ્ર મોદીના નેતૃત્વની સરકારે ગુજરાતને ૩૦ હજાર કરોડના નેશનલ હાઇવે તથા ૧પ હજાર કરોડના કોસ્ટલ હાઇવેની પરવાનગી આપીને વિકાસની ગતિ ઓર તેજ બનાવી છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, કેન્દ્રની અગાઉની કોંગ્રેસ-યુ.પી.એ. સરકારો ભ્રષ્ટાચારમાં ગળાડૂબ હતી. તિજોરીમાં બાકોરા હતા અને પ્રજાના પૈસા વિકાસ કામો, પ્રજાહિતમાં વપરાવાને બદલે સગેવગે થઇ જતા. તેમણે ઉમેર્યુ કે, નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદ સંભાળતા જ પારદર્શી, સ્વચ્છ અને ગુડ ગર્નનન્સ યુકત શાસન આપી તિજોરીના બધા કાણાં પૂરી દીધા છે. હવે, પ્રજાના પૈસા-પાઇ-પાઇ પ્રજાહિતમાં જ વપરાય છે. એટલું જ નહિ, કોંગ્રેસની સરકારમાં અગાઉ કેન્દ્રમાંથી ૧ રૂપિયો મોકલાતો તે ગામડાં સુધી પહોચતા ૧પ પૈસા થઇ જતો હવે ૧ રૂપિયા સામે સવા રૂપિયાનું કામ થાય છે તેમ પણ તેમણે કોંગ્રેસના ભ્રષ્ટાચારી શાસનની આલોચના કરતાં જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ગુજરાતને યુ.પી.એ. સરકારે હંમેશા ઓરમાયા વર્તનથી વિકાસથી વંચિત રાખવાના કારસા કરેલાની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે, ક્રૂડ ઓઇલ રોયલ્ટીના ૧૧ હજાર કરોડ ગુજરાતને વર્ષો સુધી ન આપ્યા, નર્મદા ડેમની ઊંચાઇ વધારવાની પરવાનગી ન આપી, રેલ્વેની નવી ટ્રેઇનો કે ગેજ રૂપાંતરથી વંચિત રાખ્યું આવી અનેક અન્યાયી પરંપરા આંખમાં કણાની માફક તેમને ખૂંચતા ગુજરાત સાથે ભૂતકાળમાં યુ.પી.એ.એ કરી હતી. વિજય રૂપાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં ગુજરાતના વર્ષો જૂના અટવાઇ પડેલા પ્રશ્નોનું સુખદ નિવારણ ત્વરાએ આવ્યું તે માટે આભાર પ્રગટ કરતાં કહ્યું કે, બૂલેટ ટ્રેન, અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો, દ્વારકા-બેટ દ્વારકાને જોડતો ૯૦૦ કરોડનો પુલ, સ્માર્ટ સિટીમાં ગુજરાતના ૬ શહેરોનો સમાવેશ કરીને પ૦૦-પ૦૦ કરોડની ફાળવણી, સરદાર સાહેબની વિરાટત્તમ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનીટી જેવા વિકાસના અનેક અનેક પ્રકલ્પો આપીને ગુજરાતના વિકાસને નવી દિશા તેમણે આપી છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ઘોલેરાના ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ માટે ર૮૦૦ કરોડની ફાળવણી, ડિફેન્સ-નેવી ક્ષેત્રમાં ગુજરાતમાં નવી એકેડેમી, ડિસા એરપોર્ટનો એરફોર્સ એરપોર્ટ તરીકે વિકાસ તેમજ વડનગર, ધોળાવીરા જેવા પૂરાતન સ્થાનોના વિકાસ માટે કેન્દ્રની મદદની પણ વિશદ ભૂમિકા આપી હતી. તેમણે ગુજરાતમાં સર્વગ્રાહી વિકાસના આયામોમાં જ્યાં માનવી ત્યાં સુવિધા અને વિવાદ નહિ, સંવાદના મંત્ર સાથે આ સરકાર લઘુત્તમ સંશાધનોના ગુરૂત્તમ વિનિયોગથી ગુજરાતને અવ્વલ રાજ્ય બનાવવા સંકલ્પબધ્ધ છે તેમ સ્પષ્ટપણે જણાવ્યું હતું. આ છ માર્ગીકરણનો મહત્વાકાંક્ષી પ્રકલ્પ પૂર્ણ થતાં ટ્રાફિક જામની સમસ્યા નહિ રહે તથા ફલાય ઓવર અને રેલ્વે ઓવરબ્રીજ બનતાં ગુજરાત ફાટક મુકત ગુજરાત બનશે તેવો નિર્ધાર પણ તેમણે દર્શાવ્યો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, માર્ગ વિકાસ અને વિસ્તૃતિકરણ એ રાજ્યના વિકાસનું એક પ્રેરક પાસું છે. રાજ્ય સરકાર વિકાસની ગતિ વેગવાન બનાવવાની કટિબધ્ધતા સાથે આગળ વધી રહી છે. રાજ્યમાં માર્ગોની સુવિધા વધારીને લોકોના નાણાં-સમય બચાવવાનો ધ્યેય છે. રાજ્યના ખેડૂતો માટે નર્મદાનું પાણી આપતી નર્મદા યોજના રાજ્યની જીવાદોરી છે પરંતુ કોંગ્રેસે આ યોજનાને અભેરાઇએ ચઢાવી દીધી હતી તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાસન સંભાળ્યાના ૧૭ દિવસમાં જ મંજૂરી આપી તેના ફળ રાજ્યના લોકોને મળે છે.
આજે ૯૦ હજાર પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે તેનો લાભ રાજ્યના અબોલ જીવો-ખેડૂતો-નાગરિકોને થયો છે. આજ રીતે ઓખા બેટ ખાતે ભારત સરકાર દ્વારા સિગ્નેચર બ્રીજ ૯૬ર કરોડના ખર્ચે બનવાનો છે. સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત-દક્ષિણ ગુજરાતને જોડતા અમદાવાદ-બામણબોર-રાજકોટ ઘોરીમાર્ગના છ માર્ગીકરણનું કામ ર૭૦૦ કરોડના ખર્ચે રાજ્ય સરકારે ઉપાડયું છે.