ગુજરાતના રાજકારણમાં એક મહત્વના ઘટનાક્રમમાં આજે પાટીદાર સમાજની છ વિવિધ સંસ્થાઓના વડીલ આગેવાનોએ એક મંચ પર જાહેરમાં આવી પાસના નેતા હાર્દિક પટેલ આણિમંડળીનો ખુલ્લો વિરોધ કર્યો હતો અને સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલન હવે પ્રાઇવેટ અનામત આંદોલન બની ગયું છે. પાટીદાર વડીલ આગેવાનોએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, તાજેતરમાં ગુજરાત સરકારે જયારે પાટીદાર સમાજની મહત્વની ચાર માંગણીઓ સ્વીકારી લીધી છે, ત્યારે એ જ માંગણીઓની નકલ કરી કોંગ્રેસ સાથેની બેઠક એ રાજકીય રોટલો શેકવાનું સેટીંગ છે, પાટીદાર સમાજ આ પ્રકારની પ્રવૃત્તિના સમર્થનમાં નથી. સરકારે જે પ્રકારે સમાજની માંગણીઓ સંતોષી લીધી છે તે જોતાં હવે પાટીદાર અનામત આંદોલન પૂર્ણ કરવું જોઇએ અને સમાજના હિતમાં આગળ વધવુ જોઇએ. અલબત્ત, અનામતની માંગણી તેના સ્થાને યથાવત્ છે પરંતુ તેમાં કાયદાકીય અને બંધારણીય પ્રશ્ન આવતો હોઇ સરકાર તેના સુખદ ઉકેલ માટે સતત પ્રયત્નશીલ છે. પાટીદાર સમાજની ઉમિયા માતાજી સંસ્થાન,ઉંઝા, ખોડલધામ કાગવડ, સરદારધામ, અમદાવાદ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, અમદાવાદ, સમસ્ત પાટીદાર સમાજ, સુરત અને ઉમિયા માતા સંસ્થાન, સિધ્ધસર એમ છ સંસ્થાઓના વડીલ પાટીદાર આગેવાનો આર.પી. પટેલ, સી.કે. પટેલ, વાડીભાઇ પટેલ, વાસુદેવભાઇ પટેલ, દિપકભાઇ પટેલ અને સાકળચંદ સી.પટેલ સહિતના સંખ્યાબંધ આગેવાનો આજે એક મંચ પર જાહેરમાં આવ્યા હતા અને બધાએ એકસૂરે પત્રકાર પરિષદમાં જાહેર કર્યું હતું કે, પાટીદાર સમાજની પાટીદાર આયોગની રચના, પાટીદાર અનામત આંદોલન દરમ્યાન થયેલા તમામ કેસો પરત ખેંચવા, પોલીસ અત્યાચાર કરનાર કસૂરવાર અધિકારીઓ સામે નિવૃત્ત હાઇકોર્ટ જજના વડપણ હેઠળ તપાસ પંચની રચના અને આંદોલન દરમ્યાન શહીદ થયેલા પાટીદાર જવાનોના પરિવારોને વળતર સહિતની માંગણીઓ રાજય સરકારે સ્વીકારી લીધી છે. પાસ, એસપીજી સહિતના પાટીદાર સમાજના નેતાઓની હાજરીમાં આ સમગ્ર મામલે સરકાર સાથે સમાધાન થઇ ગયું છે, તેથી હવે પાટીદાર અનામત આંદોલન ચાલુ રાખવાનો કોઇ અર્થ રહેતો નથી. ઓબીસીમાં અનામતની પાટીદાર સમાજની મૂળ માંગણી અને લડત ચાલુ રહેશે પરંતુ એ સિવાયના મુદ્દાઓ પર હવે કોઇ વિવાદ કે માંગણી રહેતી નથી. હાર્દિક પટેલ આણિમંડળીએ કોંગ્રેસ પક્ષ સાથે ઉપરોકત ચાર મુદ્દે જ બેઠક યોજી કોંગ્રેસ તરફથી તેમની સરકાર આવે તો આ ચારેય માંગણીઓ સ્વીકારતી ખાતરી ઉચ્ચારી હતી, તેને લઇ પાટીદાર સમાજના વડીલોએ હાર્દિક પટેલ આણિમંડળી પર સીધા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, જે માંગણીઓ સરકાર સાથેના સમાધાનમાં સંતોષાઇ ગઇ છે, તે જ માંગણીઓ મુદ્દે હાર્દિક પટેલની કોંગ્રેસ સાથે બેઠકો અને નિરાકરણની વાત રાજકીય રોટલો શેકવાના સેટીંગ જેવી છે. પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરતી અને સમાજમાં ભાગલા પડાવતી આવી કોઇ પ્રવૃત્તિ પાટીદાર સમાજ સાંખી નહી લે.
પાટીદાર સમાજના નામે આ પ્રકારની વાતો કરતા તત્વોને સ્પષ્ટ ચીમકી આપતાં પાટીદાર વડીલ આગેવાન આર.પી.પટેલ અને સી.કે.પટેલે જણાવ્યું હતુ કે, આવા તત્વો પાટીદાર સમાજને ભેખડે ભરાવવાનું અને પાટીદાર સમાજના નામે રાજકીય રોટલો શેકવાની પ્રવૃત્તિ તાત્કાલિક અસરથી બંધ કરે. પાટીદાર સમાજની માંગણીઓ સંતોષાઇ ગઇ હોઇ હવે કોઇ આંદોલનની વાત રહેતી નથી. કોંગ્રેસ હાર્દિક આણિમંડળીનો પોલીટીકલ માઇલેજ અને ચૂંટણીના રાજકારણ માટે હાથા તરીકે ઉપયોગ કરી રહી છે.