નરસિંહ મહેતા સાહિત્ય નિધિ દ્વારા વિદ્યમાન ગુજરાતી કવિને તેના સમગ્ર કવિતા સર્જન લક્ષ્યમાં લઈને પ્રતિવર્ષ શરદ પૂર્ણિમા (વાલ્મીકી જયંતિ)ના રોજ અપાતો ગુજરાતી કવિતા ક્ષેત્રનો પ્રતિષ્ઠિત અને સળંગ ર૪માં નરસિંહ મહેતા એવોર્ડ ભાવનગર સ્થિત સુપ્રસિધ્ધ કવિ વિનોદ જોશીને એનાયત થશે.
આગામી તા.ર૪ ઓક્ટોબર, ર૦૧૮ને બુધવારે ઢળતી સાંજના પ-૩૦ કલાકે જુનાગઢની ગીરી તળેટીના રૂપાયતન પરિસર ખાતે ગુજરાતના સાક્ષરો, વિદ્વજજનોની ઉપસ્થિતિમાં કવિનું સન્માન કરી રૂા.એક લાખ એકાવન હજારની રાશિ સાથે નરસિંહ મહેતાની ધાતુની પ્રતિમાના સ્મૃતિ ચિહ્નનો ર૦૧૮ના વર્ષનો એવોર્ડ પૂ.મોરારીબાપુ દ્વારા અર્પણ થશે. આ ધન્ય દિવસના ઘોષિત થયેલા કાર્યક્રમો પ્રમાણે પ્રારંભે કાવ્યગાન અને પદગાન ગાર્ગી વોરા દ્વારા પ્રસ્તુત થશે તેમજ વિનોદ જોશીના ઉર્મિકાવ્યો વિશે મણીલાલ હ. પટેલ અને વિનોદ જોશીના દિર્ઘકાવ્યો માટે રાજેશ પંડ્યા વિશેષ વ્યક્તવ્ય આપશે. રઘુવિર ચૌધરીના પ્રાસંગિક ઉદ્દબોધન બાદ પુરસ્કૃત કવિ વિનોદ જોશી કાવ્યપઠન કરશે. આ વેળાએ નુપુર કલાવૃંદ-જુનાગઢ દ્વારા સરસ્વતી વંદના અને રાસ પ્રવૃત્તિ થશે. પૂ.મોરારીબાપુ દ્વારા ઉદ્દબોધન થશે. કાર્યક્રમનું સંચાલન પ્રણવ પંડયા સંભાળશે.
આ પ્રસંગે કવિ વિનોદ જોશીના બહુ વખણાયેલા પ્રબંધ કાવ્ય સૈરન્ધ્રીનું તેમજ કવિએ પોતે ચયન કરેલા પોતાના કાવ્યોના સંકલનનુંં મોરારીબાપુ દ્વારા લોકાર્પણ થશે. ઉલ્લેખનિય છે કે, પૂ.મોરારીબાપુ પ્રેરિત ગુજરાતી કવિતા ક્ષેત્રનો આ પ્રતિષ્ઠિત પુરસ્કાર સને ૧૯૯૯થી આપવામાં આવશે.