દેશના ચોકીદાર ચોરી કરી રહ્યા છે : રાહુલનો આક્ષેપ

1097

ભાજપ સરકારને સતત રાફેલ ડિલના મુદ્દા ઉપર મુશ્કેલીમાં મુકી રહેલી કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ફરી એકવાર વડાપ્રધાન મોદી અને ભાજપ ઉપર પ્રહાર કરતા નજરે પડ્યા હતા. પોતાના સંસદીય મતવિસ્તાર અમેઠીમાં પહોંચેલા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર ઉદ્યોગપતિ અનિલ અંબાણીને રાફેલ ડિલની સહાયતા પહોંચાડવાનો આક્ષેપ કર્યો હતો. રાહુલે કહ્યું હતું કે, અંબાણીએ જીવનમાં કોઇપણ વિમાન બનાવ્યું નથી છતાં તેમને રાફેલ ડિલનો હિસ્સો બનાવી દેવામાં આવ્યો હતો. રાહુલે કહ્યું હતું કે, સીવીસી રાફેલ ડિલના મામલામાં તપાસ કરે તે જરૂરી છે. તપાસ માટે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી શકે છે. પોતાના સંસદીય ક્ષેત્ર અમેઠીના જાયસમાં લોકોને સંબોધતા રાહુલે કહ્યું હતું કે, મોદી પોતાને ચોકીદાર તરીકે ગણાવે છે અને રાફેલના મુદ્દા ઉપર મૌન પાળે છે. અહીં દેશના ચોકીદાર જ ચોર બની ગયા છે.

કોંગ્રેસ પ્રમુખે કહ્યું હતું કે, તેમની સરકારે માલ્યાને ૯૦૦૦ કરોડ રૂપિયા લઇને ભાગવામાં મદદ કરી હતી. નિરવ મોદી અને મેહુલ ચોક્સીને ફરાર કરવામાં મદદ કરી હતી. એકબાજુ સંરક્ષણ મંત્રી વિમાનની કિંમત બતાવવાનો ઇન્કાર કરે છે જ્યારે મોદી અનિલ અંબાણીની કંપનીને કોન્ટ્રાક્ટ આપીચુક્યા છે. રિલાયન્સનું નામ દેતા રાહુલ કહે છે કે, એનડીએ દ્વારા અનિલ અંબાણીને ૨૦૦૦૦ કરોડ રૂપિયાનો ફાયદો પહોંચાડ્યો છે. જનતાના પૈસા લુંટીને અંબાણીને આપવામાં આવી રહ્યા છે. પ્રશ્ન કરવામાં આવતા જવાબ આપતા નથી. મોદીએ દર વર્ષે બે કરોડ લોકોને રોજગારી આપવાની વાત કરી હતી. ખેડૂતોને યોગ્ય નાણાં ચુકવવાની વાત કરી હતી. ૧૫ લાખ રૂપિયા દરેકના ખાતામાં આપવાની વાત કરી હતી. એક મંત્રી કહે છે કે, દરેક ૨૪ કલાકમાં ૪૫૦ યુવાનોને રોજગારી મળી રહી છે. ફ્રાંસના પૂર્વ પ્રમુખ કહે છે કે, અનિલ અંબાણીને કોન્ટ્રાક્ટ તેમના તરફથી આપવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં દેશના ચોકીદારે શું કર્યું છે તે બાબત દેશને સમજવાની જરૂર છે. મોદી પર પ્રહાર કરતા રાહુલે કહ્યું હતું કે, ૫૨૬ કરોડ રૂપિયાના જેટ વિમાનને ૧૬૦૦ કરોડ રૂપિયામાં ખરીદવા માટેનું શું કારણ હતું. દેવાળુ ફુંકી ચુકેલી કંપનીને કોન્ટ્રાક્ટ કેમ આપવામાં આવ્યો હતો. ૧૦ દિવસ પહેલા ઉભી કરવામાં આવેલી કંપનીને એચએએલ પાસેથી કોન્ટ્રાક્ટ આંચકીને તેમને કેમ આપવામાં આવ્યો તે પ્રશ્ન લોકો કરી રહ્યા છે. વિજય માલ્યા ૯૦૦૦ કરોડ રૂપિયાની ચોરી કરી ચુક્યા છે.

Previous articleઆવતીકાલથી પ્રારંભ થતાં ભાદ્રપદ માસનાં કૃષ્ણપક્ષનાં પખવાડિયાનાં દિવસોનું સંક્ષિપ્ત  પંચાંગ અવલોકન
Next articleગોલ્ડન ગ્લોબ રેસમાં ભાગ લેનારા કમાન્ડર અભિલાષ ટોમીનો આબાદ બચાવ