જિલ્લામાંથી ૮૦ વીવીપેટ યોગ્ય કામ ન કરતાં હોવાથી રીજેકટ કરાયા

658
gandhi3112017-6.jpg

વિધાનસભાની ચૂંટણીના આયોજન સંબંધમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં વોટર વેરીફાઇડ પેપર ઓડિટ ટ્રાયલનો પ્રયોગ થવાનો છે. મતલબ કે વીવીપેટ મશીન મુકવાના છે. તેમાં ૭ સેકન્ડ માટે મતદારને તેણે ક્યા પક્ષના અને ક્યા નામના ઉમેદવારને મત આપ્યો છે, તે પક્ષના નિશાન સહિત જોવા મળશે.
ચૂંટણી તંત્ર દ્વારા આ મશીન ઉપરાંત ઇલેકટ્રોનિક વોટિંગ મશીનના બેલેટ યુનિટ તથા કંટ્રોલ યુનિટની ચકાસણી કરવામાં આવી તેમાં ગાંધીનગર જિલ્લાની ૫ બેઠક માટે નિયત કરાયેલા પૈકીના ૮૦ વીવીપેટ યોગ્ય કામ કરતા નહીં જણાતા તેને રિજેક્ટ કરવામાં આવ્યા હતાં.
ઇલેકટ્રોનિક વોટિંગ મશીનની ચકાસણીમા ૧૨૦ કંટ્રોલ યુનિટ પણ યોગ્ય જણાયા ન હતા અને ૫૭ બેલેટ યુનિટ યોગ્ય કાર્ય કરતા નહીં હોવાનું જણાતા આ તમામ યુનિટ દુર કરવામાં આવ્યા હતાં. 
ભારતના ચૂંટણી પંચની સુચના પ્રમાણે હવે તમામ મતદાન મથક પર વીવીપેટ મશીન મુકવાના છે.
ગાંધીનગર જિલ્લામાં ૧૩૩૯ મતદાન મથક નક્કી કરાયા છે. ત્યારે કુલ જરૂરતના ૧૪૦ ટકા વીવીપેટ મશીન ગાંધીનગર જિલ્લા માટે તૈયાર કરવામાં આવશે.

Previous articleપદ્માવતી ફિલ્મ અટકાવવાં ચૂંટણી પંચમાં ભાજપાની રજૂઆત
Next articleભાજપ ઘેર ઘેર ફરીને ચૂંટણી માટે પ્રચારનો પ્રારંભ કરશે