જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ જોરદારરીતે જારી છે. આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા માટે ભારતીય સેના આક્રમકરીતે આગળ વધી રહી છે. ઉત્તર કાશ્મીરના કુપવારા સ્થિત તંગધારમાં ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સેનાએ આજે ત્રણ બીજા ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આની સાથે જ છેલ્લા ૨૪ કલાકના ગાળામાં જ પાંચથી વધુ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. અથડામણમાં એક જવાન પણ શહીદ થયા છે. આસપાસના વિસ્તારોમાં ત્રાસવાદીઓની શોધખોળ ચાલી રહી છે. ત્રાસવાદીઓની એક ટુકડીએ કુપવારા સેક્ટરમાં એલઓસી મારફતે ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. આ ગાળા દરમિયાન સેના અને ત્રાસવાદીઓ વચ્ચે જોરદાર અથડામણ થઇ હતી. સામ સામે ગોળીબાર દરમિયાન બે ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. આજે અન્ય ત્રણ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. સર્ચ ઓપરેશન યથાવતરીતે ચાલી રહ્યું છે.
સેનાએ અંકુશરેખા અને સરહદ ઉપર ઘુસણખોરીની આશંકા માટે એલર્ટની જાહેરાત કરી છે. તંગધાર સેક્ટરમાં જુદા જુદા વિસ્તારમાં અભૂતપૂર્વ ઓપરેશન ચાલી રહ્યું છે. રવિવારના દિવસે જ સેનાના રાષ્ટ્રીય રાયફલના જવાનોએ આક્રમક કાર્યવાહી કરી હતી. દક્ષિણ કાશ્મીરના પુલવામામાં જૈશે મોહમ્મદના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીને ઠાર કરી દેવામાં આવ્યો છે. સેનાને ગુપ્તચર માહિતી મળ્યા બાદ જાળ બિછાવવામાં આવી હતી. ત્રાલમાં જૈશના ત્રાસવાદીઓની ઉપસ્થિતિ અંગે પુરતી માહિતી મળ્યા બાદ સર્ચ કામગીરી ચાલી રહી છે. હાલમાં ત્રાસવાદીઓ સેના અને પોલીસને ટાર્ગેટ બનાવીને અપહરણ કરવાની ગતિવિધિને અંજામ આપી રહ્યા છે.