સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક ન્યૂઝને રોકવાની માંગ વચ્ચે ભારતમાં પોતાનો વિસ્તાર વધારવા માટે ફેસબુકે અજિત મોહનને ફેસબુક ઈન્ડિયાના નવા પ્રમુખ અને ઉપાધ્યક્ષ નિયુક્ત કર્યા છે. મોહન આ પહેલા હોટ સ્ટારના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કામ કરતા હતા. મોહન ફેસબુકમાં પોતાની યાત્રાની શરુઆત આવતા વર્ષથી કરશે.
તેઓ ફેસબુકની ભારતમાં રોકાણ રણનીતિ માટેની જવાબદારી સંભાળશે. ફેસબુકના ભારતના ભારતમાં ૨૭ કરોડથી વધારે યુઝર્સ છે. તેઓ કંપનીના કેલિફોર્નિયા સ્થિત મુખ્યાલયને સીધો રિપોર્ટ આપશે. ફેસબુક ઈંકના ઉપાધ્યક્ષ ડેવિડે આ મામલે નિવેદન આપતા જણાવ્યું કે અજિતના અનુભવોના પરિણામે અમને ભારતમાં વિભિન્ન સમુદાયો, સંગઠનો, વ્યાપાર સહિતના મુદ્દે સકારાત્મક પ્રભાવ પાડવામાં મદદ પ્રાપ્ત થશે.
આ પદ છેલ્લા એક વર્ષથી ખાલી હતું જ્યારે ઉમંગ બેદીએ ગત વર્ષે ઓક્ટોબરમાં ફેસબુક ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર પદેથી રાજીનામુ આપ્યું હતું. બેદી સ્થાનીય ભાષાના સમાચાર અને મનોરંજન એગ્રીગેટર ડેલીહંટના અધ્યક્ષ છે. મોહને જણાવ્યું કે મારા માટે એક એવી કંપનીના એજન્ડાને આકાર આપવાનો વિશિષ્ટ અવસર છે જેણે એક સૌથી રોમાંચક બજારમાં દુનિયાને નજીક લાવી દીધી છે.
ફેસબુકે ફેક ન્યૂઝ અને ફોટોને હટાવવા માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. પોતાની નવી પોલિસી લાગુ કરતા ફેસબુકે જણાવ્યું કે તે ખોટા સમાચારો અને ખોટી સૂચનાઓને હટાવવાની શરુઆત કરશે. ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં ફેસબુક પર પોસ્ટ કરવામાં આવતા ખોટા અને ભ્રામક કન્ટેન્ટના કારણે હિંસા ફેલાયા બાદ ખાસ્સી ટીકા થઈ હતી.