ટૂંક સમયમાં જ વીમાન યાત્રિકોને હવે પોતાની સાથે ૧૦૦ એમ.એલ. જેટલું લિક્વિડ સાથે લઈ જવા અને લાવવાની છૂટ મળવાની છે.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય એરપોર્ટ ઉપર વિસ્ફોટક ડિટેક્ટરો લગાવશે અને આ માટેની તૈયારી પણ થઈ રહી છે પરંતુ હવે ભારતમાં વિમાન યાત્રિકોને પાણી અને અન્ય લિક્વિડ જેમ કે શેમ્પુ વગેરે ૧૦૦ એમએલની મર્યાદામાં સાથે રાખવાની છૂટ મળશે. એમના હેન્ડ બેગેજમાં તેઓ આ લિક્વિડ રાખી શકશે.
મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ પત્રકારોને આ માહિતી આપી છે અને એમણે કહ્યું છે કે અત્યારે આ છૂટ આપવાની પ્રક્રિયા પ્રાથમિક તબક્કામાં છે. વડાપ્રધાનની સહમતિ બાદ આ અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે. કેટલીક યુરોપીયન પેઢીઓ દ્વારા પણ આ બાબતે રજૂઆતો થઈ છે. શરૂઆતમાં મેટ્રો એરપોર્ટ પર ટ્રાયલ કરવામાં આવશે અને ત્યારબાદ સત્તાવાર રીતે તેની છૂટ આપવામાં આવશે.
બધી જ કાર્યવાહી સંપન્ન થયા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા મુસાફરો હેન્ડ બેગેજમાં કયા કયા પ્રકારનું લિક્વિડ રાખી શકશે તેનું લિસ્ટ જાહેર કરવામાં આવશે. જે ખતરારૂપ લાગે તેવા લિક્વિડને સાથે રાખવા દેવાશે નહી. વિમાન યાત્રિકે ડિટેક્ટરની સામે હેન્ડ બેગેજ ખોલીને બતાવવું પડશે અને સેકન્ડોની અંદર જ તે તેને પકડી લેશે. તેમાં વિસ્ફોટક માત્રા કેટલી છે તે તેને ખબર પડી જશે.