શાકભાજી માર્કેટમાં ઉઘાડી લૂંટ : કિંમતોમાં તીવ્ર વધારો

1186

ચોમાસાના વરસાદ બાદ નવાં શાકભાજીની આવકમાં વધારો થયો છે, પરંતુ પાણીના મૂલે માર્કેટયાર્ડમાં હોલસેલમાં હરાજીમાં વેચાતાં શાકભાજી બજારમાં આવતાં સુધીમાં ચાર ગણા વધારાના ભાવથી આવતાં સરવાળે ખોટ તો ખેડૂતો અને ગૃહિણીઓને પડી રહી છે. શાકભાજી માર્કેટમાં ઉઘાડી લૂંટ અને તગડી નફાખોરીને લઇ એકબાજુ ગૃહિણીઓ ત્રસ્ત છે, તો ખેડૂતો પણ માર્કેટયાર્ડમાં જોઇએ તેવા ભાવ નહી મળી રહ્યા હોવાથી દુઃખી છે કારણ કે, એ જ શાકભાજી છૂટક ભાવે વેચાય ત્યારે ચાર ગણા ભાવવધારા સાથે વેચાય છે. લોકોને શાકભાજી સસ્તા મળી શકે તેમ છે પરંતુ વચેટિયાઓની બેફામ નફાખોરીના કારણે ખેતરથી ઘર સુધી પહોંચતાં લીલાં શાકભાજીના ભાવમાં ચાર ગણો વધારો નોંધાઇ જાય છે. સામાન્ય રીતે વરસાદ પછીના એક મહિના પછી નવાં શાકભાજીની આવક શરૂ થઈ જાય છે, પરંતુ વચેટિયાઓની તગડી નફાખોરીના કારણે ગૃહિણી સુધી જ્યારે શાકભાજી પહોંચે ત્યારે તેના ભાવ તગડા થઈ જાય છે. હરાજીમાં હોલસેલમાં મોટા ભાગનાં શાકભાજીનું રૂ. ૧૦ની અંદરના ભાવે વેચાણ થઈ રહ્યું છે. લસણના ભાવ ગગડીને તળિયે ગયા છે. ગઈકાલે માર્કેટયાર્ડમાં લસણ ૭૫ પૈસા કિલો વેચાયું હતું. નબળું લસણ ૧ થી ૨ રૂપિયા, મધ્યમ લસણ ૪ થી ૫ રૂપિયા અને બેસ્ટ લસણનો ભાવ હોલસેલમાં રૂ. ૯ થી ૧૦ પ્રતિ કિલો છે, જેનું બજારમાં રૂ. ૪૦ થી ૬૦ પ્રતિકિલો વેચાણ થઈ રહ્યું છે. એપીએમસીના સેક્રેટરી દીપક પટેલના જણાવ્યા અનુસાર, છેલ્લા એક સપ્તાહથી શાકભાજી વધુ સસ્તાં થયાં છે. વધુ આવકની અસરે શાકભાજી વધુ સસ્તાં થયાં છે. ફ્‌લાવર અને ટામેટાંની આવક વધી છે. મહારાષ્ટ્રનાં ટામેટાંની સામે ગુજરાતનાં ટામેટાંની આવક પણ વધી છે. ગવારની આવક પણ વધી છે, તેનું રૂ. ૫થી ૭ના પ્રતિકિલો વેચાણ થઈ રહ્યું છે. અત્યારે લીલોતરી શાકભાજી સસ્તાં હોવાં જોઈએ તેના બદલે દરેક શાકભાજી પ્રતિકિલો રૂ. ૪૦થી ૬૦ પ્રતિકિલો મળી રહ્યાં છે.

એક સમયે ૧૦૦ રૂપિયે કિલોના ભાવે વેચાઇ રહેલાં લાલચોળ ટામેટાં અત્યારે બજારમાં રૂ.૩૦એ કિલો વેચાઇ રહ્યાં છે. ગૃહિણીઓ હાલમાં આ ભાવે મળી રહેલાં શાકભાજીથી ખુશ છે. લોકોને સસ્તાં હોવાનાં જણાતાં શાકભાજી હજુ પણ વધુ સસ્તાં થઇ શકે છે, પરંતુ વચેટિયાઓની બેફામ નફાખોરીના પરિણામે ખેતરથી ઘર સુધી પહોંચતાં શાકભાજીમાં ચાર ગણો વધારો નોંધાઇ જાય છે. મોટાભાગનાં શાકભાજી રૂ.ર૦ પ્રતિકિલો આસપાસ મળી શકે તેમ છે. કેટલાક ખેડૂતો હાલમાં શાકભાજીનાં પોટલાં માર્કેટયાર્ડ સુધી લઇ જવા તૈયાર નથી, કારણ કે મજૂરી, દવા, બિયારણ અને વાહનખર્ચ ગણતાં આવકની સામે જાવક વધુ હોઇ ખોટનો ધંધો થઇ શકે છે. હજુ ૧પ દિવસ પહેલાં જ શાકભાજીના ભાવ સાંભળીને ગૃહિણીઓ શાકભાજી ખરીદવાનું ટાળતી હતી. સામાન્ય રીતે ચોમાસાની વિદાય અને શિયાળાની શરૂઆતમાં શાકભાજીના ભાવ હંમેશાં નીચા રહે છે, કારણ કે આ સિઝનમાં શાકભાજીની આવકમાં ખૂબ વધારો થાય છે. હજુ લસણની જેમ જ ડુંગળીના ભાવમાં પણ કડાકો બોલશે. હાલમાં ડુંગળી માત્ર ૩થી ૪ રૂ. કિલોના ભાવે હોલસેલમાં વેચાઇ રહી છે. તેથી તેના બજારભાવ ગગડશે. જો કે, નજીકના દિવસોમાં ગૃહિણીઓને પણ સસ્તા ભાવે લીલોતરી શાકભાજી મળવાની શકયતા છે.

Previous articleભાજપના ભ્રષ્ટાચારની સામે કોંગ્રેસનું હલ્લાબોલ
Next articleગીરમાં વધુ એક સિંહણનું મોત : મૃત્યુ આંક ૧૪ થયો