હાલમાં કોલેજમાં ઇન્ટર્નલ પરીક્ષા ચાલી રહી છે અને કોલેજમાં પરીક્ષા દરમિયાન અનેકવાર પેપરમાં છબરડા થતા હોય છે ત્યારે આજે એચકે આટ્ર્સ કોલેજમાં ઈન્ટર્નલ પરીક્ષામાં જૂના કોર્સનું પેપર પૂછતાં વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો. જૂના કોર્સનું પેપર પૂછાતાં શિક્ષણજગતમાં પણ ભારે ચકચાર મચી ગઇ હતી. બીજીબાજુ, ભારે હોબાળા અને વિવાદ બાદ કોલેજ સત્તાધીશો દ્વારા આખરે બીએ સેમેસ્ટર-૩માં કમ્પ્લસરી ઇગ્લિંશના પેપરમાં જૂનું પેપર પૂછતાં કોલેજે આજની પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર આશ્રમરોડ પર આવેલી એચકે કોલેજમાં લેવાઇ રહેલી ઇન્ટર્નલ પરીક્ષામાં બીએ સેમેસ્ટર-૩માં કમ્પલસરી ઇંગ્લીશનું પેપર હતું પરંતુ આજે જૂના કોર્સનું પેપર પૂછાતાં આટ્ર્સના વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવી દીધો હતો. બીએ સેમેસ્ટર-૩ની આજે કોલેજની ઇન્ટર્નલ પરીક્ષા વિદ્યાર્થીઓ આપી રહ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓને આપવામાં આવેલ ઇગ્લિંશના પેપરમાં જૂના કોર્સનું જ બધુ પૂછવામાં આવ્યું હતું. આ પેપરમાં જૂના સિલેબસનું પુછાતાં વિદ્યાર્થીઓએ કોલેજમાં જ વિરોધ નોંધાવ્યો હતો અને જોરદાર હોબાળો મચાવ્યો હતો.
એટલું જ નહી, રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ કેમ્પસમાં પરીક્ષા રદ કરવાના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. બાદમાં નારાજ વિદ્યાર્થીઓ દ્વારા કોલેજના સત્તાધીશોને રજૂઆત કરતાં બીએ સેમેસ્ટર-૩માં કમ્પ્લસરી ઇગ્લિંશનાના પેપર આજનું રદ કર્યું હતું અને આ પેપરની પરીક્ષા હવે આગામી તા.પ ઓક્ટોબરના રોજ લેવાનું જાહેર કરવામાં આવ્યું હતું.