દિલ્હી ભાજપના અધ્યક્ષ અને ઉત્તર પૂર્વી દિલ્હીના સાંસદ મનોજ તિવારીને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે અને કહ્યું કે ભાજપ સાંસદ કાયદો પોતાના હાથમાં ન લઈ શકે. સુપ્રીમ કોર્ટે તિવારીને એક અઠવાડીમાં જવાબ આપવાનું કહ્યું છે. નોંધનિય છે કે મનોજ તિવારીએ ગત ૧૬ સપ્ટેમ્બરે ઉત્તર પૂર્વી દિલ્હીના ગોકુલપુર ગામના એક મકાનની સીલિંગ તોડી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટની બનાવેલી મોનિટરિંગ કમિટીએ સુપ્રીમ કોર્ટમાં આ વાતની ફરિયાદ કરી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું, “મિસ્ટર તિવારી અમે તમારા ભાષણની સીડી જોઈ છે. તમે કહ્યું હતું કે ૧૦૦૦ જગ્યાએ સીલિંગ થવાની છે અને તમે જણાવો કે આ કઈ જગ્યા છે. અમે તમને સીલિંગ ઓફિસર બનાવી દઈશું.કોર્ટે કહ્યું કે તમે કાયદાને તમારા હાથમાં ન લઈ શકો. આ દરમિયાન મનોજ તિવારી કોર્ટમાં હાજર રહ્યાં અને તેમના વકીલે કોર્ટને જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશોનો મિસયૂઝ થઈ રહ્યો છે જે જગ્યા સીલ થઈ તે ડેરી હતી.સુપ્રીમ કોર્ટે કહ્યું કે તિવારી સીડી જોવે અને એક અઠવાડીયામાં સોગંદનામું દાખલ કરી જવાબ આપે. સુપ્રીમ કોર્ટે ૩ ઓક્ટોબરે બીજી વખત હાજર થવાનું કહ્યું છે.