પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુકાશ્મીરમાં ભારે વરસાદ અને પુર સંબંધિત બનાવોમાં ઓછામાં ઓછા ૨૨ લોકોના મોત થયા છે.ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં ભારે વરસાદના કારણે મોટુ નુકસાન થયુ છે. બચાવ અને રાહત કામગીરી માટે સેનાને એલર્ટ રાખવામાં આવી છે. પંજાબ અને હિમાચલપ્રદેશમાં રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. હિમાચલપ્રદેશમાં છેલ્લા ત્રણ દિવસથી જારી ભારે વરસાદનો દોર આજે પણ જારી રહ્યો હતો. જો કે વરસાદની ગતિ ધીમી પડવાથી બચાવ અને રાહત કામગીરી ઝડપી કરી દેવામાં આવી છે. જો કે સંકટ હજુ અકબંધ છે. રાજ્યમાં વિજળી વ્યવસ્થા ઠપ્પ થઇ ગઇ છે. જનજીવન ખોરવાઇ ગયુ છે. માર્ગો તુટી પડ્યા છે. હિમાચલમાં જનજીવનને સામાન્ય બનાવવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસ ચાલી રહ્યા છે. હિમાચલપ્રદેશમાં છેલ્લા ત્રણ દિવસના ગાળામાં જ નવથી વધુ લોકોના મોત થયા છે અને ૩૭૮ રસ્તા બંધ હાલતમાં છે. લાહોલ અને સ્પિતીમાં ફસાયેલા હજારો પ્રવાસીઓને સુરક્ષિત ખસેડવા માટેના પ્રયાસ યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે.
એકલા લાહોલ સ્પિતીમાં ૨૦૦ પ્રવાસીઓ અટવાયેલા છે. હવાઇદળની મદદ પણ લેવામાં આવી રહી છે. બીજી બાજુ લાહોલ-સ્પિતીમાં ભારે વરસાદ અને હિમવર્ષાના કારણે અટવાયેલા રૂરકીની ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી)ના ૪૫ વિદ્યાર્થીઓ લિકુલ સુરક્ષિત હોવાનો દાવો મુખ્યપ્રધાન દ્વારા કરવામાં આવ્યો છે. લાહોલ અને સ્પિતીમાં વિદ્યાર્થીઓ સહિત ૩૦૦ વિદ્યાર્થીઓ ફસાયેલા છે. રોહતાગ પાસ ખાતે હિમવર્ષા થઇ છે. જેથી રસ્તાઓ બ્લોક થઇ ગયા છે. લાહોલ અને સ્પિતીમાં બે જર્મન નાગરિકો પણ અટવાયા છે. કાંગરા, કુલ્લુ અને હમીરપુરમાં સ્કુલ અને કોલેજોને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હિમાચલપ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સાથે સાથે હિમવર્ષા પણ થઇ છે. કુલ્લુ, કાંગડા અને ચંબામાં વરસાદ થયો છે. વરસાદ સંબંધિત જુદા જુદા બનાવોમાં નવથી વધુ લોકોના મોત થયા છે. જ્યારે મોટી સંખ્યા લોકો ઘાયલ થયા છે. ભારે વરસાદ અને પુરના કારણે તેમજ ભેખડો ઘસી પડવાના બનાવોના કારણે ૧૨માંથી ૧૦ જિલ્લા પ્રભાવિત થયા છે. મનાલીનો સંપર્ક અન્ય વિસ્તારોમાંથી કપાઇ ગયો છે. બીજી બાજુ ઉત્તર ભારતમાં કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ થતા જનજીવન પર અસર થઇ છે. શિમલાથી પ્રાપ્ત હેવાલ મુજબ પુરના લીધે કાંગડા જિલ્લામાં એક પુરુષ અને કુલ્લુ જિલ્લામાં હાલત કફોડી બનેલી છે. કુલ્લુ જિલ્લા માટે હાઈ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. નદીઓમાં પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. કુલ્લુના બજોરામાં તણાઈ જવાથી યુવતીનું મોત થયું છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યુ છે કે અરૂણાચલ પ્રદેશ, આસામ, મેંઘાલય, પશ્ચિમી ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી તેમજ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ થઇ શકે છે. જેથી તંત્ર સંપૂર્ણ સાબદુ છે. પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. અમૃતસરમાં ભારે વરસાદ જારી રહેતા અનેક જગ્યાઓએ વિશાળ ભુવા પડી ગયા છે જેના કારણે રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. ઉત્તર રેલવે દ્વારા અનેક ટ્રેનોને રદ કરી દેવામાં આવી છે જેમાં ચંદીગઢ-અમૃતસર સુપરફાસ્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નવી દિલ્હી અમૃતસર, નવીદિલ્હી-જલંધર સિટી, ઇન્ટરસિટી એક્સપ્રેસને રદ કરવામાં આવી છે. ભટીંડા-જમ્મુ તાવી એક્સપ્રેસના રુટ બદલી દેવામાં આવ્યા છે. આ ટ્રેન હવે વાયા જલંધર શહેરથી પસાર થશે. યમુના નદીમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચી ગઈ છે. પંજાબ અને હરિયાણામાં ઉભા પાકને પણ નુકસાન થયું છે.