શહેરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખેત વિકાસ ઉત્પન્ન બજાર સમિતિ (યાર્ડ)માં ફરજ બજાવતા ૪૬થી વધુ કર્મચારીઓ સરકારી વિવાદનો ભોગ બન્યા છે. જેના કારણે છેલ્લા ચાર-ચાર માસથી મહેનતાણાનું એક ફદીયુ પણ ન મળતા મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે. આ વિવાદનો સત્વરે અંત આવે તેવી માંગ કરી રહ્યાં છે.
રાજ્ય સરકારે મે-ર૦૧૭માં ઘોઘા તાલુકા યાર્ડને ભાવનગર માર્કેટ યાર્ડમાં મર્જ (ભેળવી દેવાનો) નિર્ણય કરી જુના ચૂંટાયેલા બોર્ડના સભ્યોને મુદ્દત પૂર્વે બરખાસ્ત કરી નવા ડિરેક્ટરોની નિયુક્તિ કરી હતી. નવનિયુક્ત ડિરેક્ટરો જેમાં ચેરમેન, વાઈસ ચેરમેનની નિયુક્તિ પ્રક્રિયા દરમ્યાન આ યાર્ડના પૂર્વ ચેરમેનએ સમગ્ર પ્રક્રિયાને ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપતા ઘોઘા યાર્ડને મર્જ કરવાની કામગીરી સ્થગિત થઈ જવા પામી છે અને સમગ્ર મામલો કોર્ટે પરિસર સુધી પહોંચ્યો છે. જેનો નિર્ણય ૩ સપ્ટેમ્બર ર૦૧૭ બાદ આવવા સંભવ છે. આ કાયદાકિય આંટીઘુંટીનો ભોગ સમિતિમાં ફરજ બજાવતા ૪૬ જેટલા કર્મચારીઓ બન્યા છે. જેમાં માર્કેટીંગ યાર્ડમાં ચેરમેન હોદ્દા પર ન હોય અને સેક્રેટરીને કર્મચારીના પગાર ચેક પર સહીનો અધિકાર ન હોય જેને લઈને ૪ માસથી કર્મીઓ પગાર વિહોણા છે.
વર્તમાન સમયની મોંઘવારી, ઉત્સવો, તહેવારો, સામાજિક પ્રસંગો, માંદગી, દવાખાના પારિવારિક કૌટુમ્બીક જરૂરીયાતો, શિક્ષણ ખર્ચ, ઘર ખર્ચ સહિતની બાબતો સામે પગારથી વંચીત કર્મચારીઓ ભારે સંઘર્ષ કરી રહ્યાં છે. તદઉપરાંત ૧ ફેબ્રુઆરી ર૦૧૭ થી ૧૦ જૂન ર૦૧૭ દરમ્યાન યાર્ડમાં ખેડૂતો દ્વારા વેચાણ કરાયેલ. ડુંગળીનાના ભાવ પર સબસીડી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેને લઈને સમિતિના કર્મચારીઓ પાસે ૧૦ થી ૧ર કલાક વિના ઓવરટાઈમના નાણા ચુકવ્યે કામ લેવામાં આવી રહ્યું છે. આવી નાણાભીડ વચ્ચે કામ કરતા કર્મચારીઓની યાતના પુછવાની તસ્દી આજ સુધી કોઈએ પણ લીધી નથી. આથી સરકારના પ્રતિનિધિ જેમાં જિલ્લા રજીસ્ટાર, સહકારી મંડળી નિયામક, ખેત અને ગ્રામ્ય અર્થતંત્ર ગાંધીનગર અથવા સહકાર મંત્રી વહેલી તકે આ મુદ્દે હસ્તાક્ષેપ કરે અને પગારથી વંચીત કર્મચારીઓને પગાર પ્રાપ્ત થાય તેવા પગલા ભરવા કર્મચારીઓ દ્વારા માંગ કરી છે.