ઉપવાસ છાવણી ખાતે મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ દ્વારા ૭ર કલાકના ઉપવાસ

1504

મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ છેલ્લા ૩૩ વર્ષથી આ યોજનામાં સામાન્ય વેતનમાં સરકારના નીતિ નિયમો મુજબ કામ કરી રહ્યા છે અને સામાન્ય વેતન દર વધારવા માટે તેમજ અન્ય માંગણીઓ માટે ગુજરાત રાજય મધ્યાહન ભોજન યોજના કર્મચારી મહામંડળ છેલ્લા ર૭ વર્ષથી રાજય સરકારમાં મૌખિક / લેખિત તેમજ આંદોલનો મારફતે રજુઆતો કરવામાં આવેલ છે.

આ ઉપરાંત રાજય મહામંડળે સંવેદનશીલ કાર્યક્રમો આપવા છતાં સરકારના પેટનું પાણી હાલતુ નથી. છેલ્લે રાજય મહામંડળના પ્રમુખ ચંદનસિંહ કે. વાઘેલા ૧૧ મી ઓગસ્ટ, ર૦૧૮ ના રોજ આમરણાંત ઉપવાસ ઉપર સત્યાગ્રહ છાવણી, ગાંધીનગર બેસવા જતાં હતા ત્યારે પોલીસે ખોટી રીતે ધરપકડ કરીને પોલીસ કસ્ટડીમાં બે દિવસ સુધી ગોંધી રાખવામાં આવેલ અને તે ઉપરાંત ૩ર મહિલા તેમજ પુરૂષ કર્મચારી તેમજ મહામંડળના મંત્રી ઈશ્વરભાઈ જોષી અને રામસિંહભાઈ પરમારની ધરપકડ કરી સેકટર – ૭ ના પોલીસ સ્ટેશને પોલીસ નજરકેદમાં રાખવામાં આવેલ. આ અન્યાય સામે રાજય મહામંડળે નકકી કર્યુ કે ન્યાય મેળવવો એક લાખ કર્મચારીઓ માટે હિતાવહ છે. આથી રપ મી સપ્ટેમ્બર, ર૦૧૮ થી રાજય મહામંડળના પ્રમુખ ચંદનસિંહ કે. વાઘેલા ૭ર કલાકના ઉપવાસ આંદોલન, ગાંધીનગર મુકામે શરૂ કરવામાં આવે છે અને આંદોલન ર૭ મી સપ્ટેમ્બર, ર૦૧૮ ના રોજ પૂર્ણ થશે. ત્યાં સુધી સરકાર તેઓની માંગણીઓ નહી સ્વીકારે તો આ દિવસે ભાવિ રણનીતિ નકકી કરવામાં આવશે તેવું મહામંત્રી આર. જે. બારીયા અને પ્રમુખ ચંદનસિંહ કે. વાઘેલાએ જણાવ્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે સરકારનું ધ્યાન દોરવામાં આવે છે કે, ધારાસભ્યોના દસ મિનીટમાં પગાર વધારો થઈ શકતો હોય તો મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓનો શા માટે પગાર વધારો કરવામાં આવતો નથી. તો આ બાબતે ર૭ મી સપ્ટેમ્બર, ર૦૧૮ સાંજ સુધી અમારી માંગણીઓનો ઉકેલ ન આવે તો ના છૂટકે દરેક ગામડામાં અમારા કર્મચારીઓ પોત પોતાના ઘેર આમરણાંત ઉપવાસ શરૂ કરશે અને રાજય મહામંડળના હોદ્દેદારો કોઈપણ જાહેર સ્થળે આમરણાંત ઉપવાસ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

Previous articleહિંમતનગરના બલવંતપુરામાં ખેતરમાથી ૧ લાખથી વધુના ચંદનના લાકડાંની ચોરી
Next articleખેડૂતોના જમીન વળતરના રૂ. ૩૪ કરોડના મુદ્દે સરકારની ઓફીસમાંથી સામગ્રી જપ્ત કરતી કોર્ટ