ગુજરાતના ૧૪ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરાયા

1064

ગુજરાત સરકારે આજે મહત્વપૂર્ણ નિર્ણય કરતા આનાથી ખેડૂત સમુદાયના લોકોને વધુ રાહત મળી શકે છે. જે તાલુકાઓમાં ૧૨૫ મીમીથી ઓછો વરસાદ થયો છે તે તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. સરકારે રાજ્યના ૧૪ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા છે જેમાં કચ્છના ૧૦ અને બનાસકાંઠાના ચાર તાલુકાનો સમાવેશ થાય છે. રાજ્યના મહેસુલમંત્રી કૌશિક પટેલે બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા આ મુજબની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ખેડૂતોની ચિંતા સરકારને સતાવી રહી છે. આને લઇને રાજ્ય સરકારે અછતગ્રસ્ત વિસ્તારોની સ્થિતિની સમીક્ષા કરવા આજે બેઠક યોજી હતી. રાજ્યના જે તાલુકામાં ૧૨૫ મીમી કરતા ઓછો વરસાદ પડ્‌યો હોય તેવા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. કૌશિક પટેલે કહ્યું કે, રાજ્યમાં ઓછો વરસાદ પડવાને કારણે અછતની સ્થિતિનું નિર્માણ થયું છે. રાજ્યમાં કચ્છ, અમદાવાદના માંડલ અને પાટણના ચાણસ્માને અછતગ્રસ્ત જાહેર કરાયા છે.

તો બનાસકાંઠાના ચાર તાલુકાને પણ અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. આ તમામ તાલુકા ૧ ઓક્ટોબરથી અછતગ્રસ્ત જાહેર કર્યા છે. આ સાથે મહેસૂલ પ્રધાને કહ્યું કે, દર બુધવારે મળનારી કેબિનેટની બેઠક બાદ અછત બેઠક મળશે. તેમાં તમામ બાબતે ચર્ચા કરવામાં આવશે. આજે જે બેઠક યોજાઈ તેમાં ઘાસચારા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જે તે વિસ્તારમાં ઘાસચારાની અછત હશે ત્યાં ઘાસચારો પૂરો પાડવામાં આવશે. આ સાથે તેમણે કહ્યું કે, જે લોકો ડેમમાંથી પાણી ચોકી કરશે તેના વિરુદ્ધ પગલા ભરવામાં આવશે. કૌશિક પટેલે જણાવ્યું કે જ્યાં જ્યાં ઓછો વરસાદ પડ્‌યો છે ત્યાં સહાય કરવામાં આવશે. દર બુધવારે અછતગ્રસ્ત વિસ્તારની સમિક્ષા કરવામાં આવશે. અછતગ્રસ્ત વિસ્તારોમાં ઘાસની તકલીફ ન પડે તે માટે પગલા લેવામાં આવશે.

આ સિવાય નહેર કે ડેમમાંથી પાણી ચોરી કરનારા તમામ લોકો પર પગલા લેવામાં આવશે. ગુજરાત સરકાર ખેડૂત સમુદાયને લઇને હાલમાં કેટલીક યોજનાઓ જાહેર કરી ચુકી છે. રાજ્યના ઓછા વરસાદવાળા વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ ઉઠી રહી હતી જેને ધ્યાનમાં લઇને હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Previous articleદામનગર ગાયત્રી મંદિરે નેત્રનિદાન કેમ્પ યોજાયો
Next articleસિંહના સ્વાસ્થ્યની જાળવણી માટે સઘન ચકાસણી ઝુંબેશ