પીઢ અદાકાર અરવિંદ રાઠોડે પદ્મારાણીનું શ્રાધ્ધ કર્મ કર્યુ

1640

મુળ ભાવેણાના વતની અને વર્ષો સુધી હિન્દી-ગુજરાતી ચલચિત્રો નાટકોમાં અભિનય થકી લોકોના દિલમાં સ્થાન પ્રાપ્ત કરનાર પીઢ અદાકાર અરવિંદ રાઠોડએ ભાવનગર આવી ગુજરાતી અદાકારા પદ્મારાણીનું શ્રાધ્ધ કર્મ કર્યુ હતું.

વર્ષો પૂર્વે ગુજરાતી ફિલ્મો તથા હિન્દી ફિલ્મોમાં વજનદાર ખલનાયક તરીકે અભિનયના ઓઝસ પાથરી લોકોને પોતાની કલાનો ધારદાર પરિચય આપનાર ૭૮ વર્ષિય પીઢ ગુજ્જુ અદાકાર અરવિંદભાઈ છગનભાઈ રાઠોડનો જન્મ ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં થયો હતો પરંતુ પિતા છગનભાઈ દરજી કામના વ્યવાસય અર્થે અમદાવાદના રતનપોળમાં ફેમસ ટેઈલર નામે દરજી કામ કરતા હોય અને ત્યાં સ્થાયી થયા હોય આથી અરવિંદભાઈ પણ અમદાવાદ જઈ વસ્યા. અભિનય કલાની કુદરતી બક્ષીશ પ્રાપ્ત થઈ હોય જેને લઈને ખૂબ જ નાની ઉંમરે અભિનય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. એક બાદ એક ગુજરાતી ફિલ્મો તથા નાટકોમાં પોતાની આગવી કલા પ્રેક્ષકોને પીરસી લાખ્ખો દર્શકોની વાહ-વાહી મેળવી અને પોતાનું સ્થાન બનાવ્યું. જે-તે સમયે ગુજરાતી ચિત્રપટનો સુવર્ણ યુગ ચાલી રહ્યો હોય મોટાભાગની ફિલ્મોમાં તેમણે વિલન તરીકેના પાત્રો ભજવ્યા પરંતુ ખલનાયક તરીકેનો અભિનય અને આગવી છટાના કારણે નાયકનું પાત્ર પણ ઝાંખુ પડી જતું પ૦ વર્ષની સફળ કેરીયરમાં અરવિંદભાઈએ ૧પ૦થી વધુ હિન્દી-ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો તથા નાટકોની સંખ્યા ગણી શકાય તેમ નથી. ફિલ્મ વ્યવસાય સંદર્ભે અમદાવાદથી મુંબઈ જઈ વસેલ અરવિંદભાઈએ મુળ મહારાષ્ટ્રના વતની એવા હિન્દી-ગુજરાતી-મરાઠી ફિલ્મમાં હિરોઈન તથા અન્ય પાત્રોમાં જીવંત પ્રાણ પુરનારા સ્વર્ગસ્થ પદ્મારાણીના સંપર્કમાં આવ્યા તેઓએ સાથે અનેક ફિલ્મો, નાટકોમાં સાથે કામ કર્યુ અને અરવિંદભાઈએ જીંદગીના ૪૦ વર્ષ લીવ ઈન રીલેશનશીપમાં સાથે રહ્યાં અને તા.રપ-૧-ર૦૧૬ના રોજ મુંબઈમાં ટુંકી બિમારીના અંતે પદ્મારાણીએ સિને જગત અને આ ફાની દુનિયાને અલવિદા કહી અનંતની વાટ પકડી પરંતુ ધર્મ-કર્મમાં અતુટ શ્રધ્ધા ધરાવતા અરવિંદભાઈએ મુંબઈથી ભાવનગર આવી શહેરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલ રામેશ્વર મહાદેવના મંદિર ખાતે તેમના કુળ ગોર વિરલ જોશીના હસ્તે શ્રાધ્ધ કર્મ કર્યુ. આ કાર્ય થકી અરવિંદભાઈએ દાખલો બેસાડ્યો કે વિધિ-વિધાન કે સમાજની હાજરીમાં પરિણય સુત્રથી બંધાવાથી જ પત્ની તરીકેની નામના નથી મળતી પરંતુ સાચો પ્રેમ અને લાગણી થકી જોડાયેલા સંબંધો પર કોઈ પ્રશ્નાર્થ નથી હોતો. અરવિંદભાઈનો બહોળો પરિવાર ભાવનગરમાં જ વસે છે. અહીં તેમના ભાણેજ યોગેશભાઈ માંડલીયા સહિતના સંબંધીઓ વસે છે અને ઘનિષ્ઠ પારિવારિક સંબંધો આજે પણ કાયમ છે. તેઓ અવાર-નવાર ભાવનગર આવે છે અને વતન પ્રેમ કાયમ રાખે છે.

Previous articleભાવ.- બોટાદમાં સ્વાઈન ફલુનો હાહાકાર એક સપ્તાહમાંં કુલ પ વ્યકિત મોતને ભેટ્યા
Next articleપ્રેમી સાથે મળી પત્નિએ કરી પતિની હત્યા