વર્તમાન ખાતાકીય ખાધને ઘટાડવાના પ્રયાસ રુપે સરકારે આજે ૧૯ બિનજરૂરી વસ્તુઓ ઉપર આયાત ડ્યુટીને વધારી દીધી હતી જેમાં એસી, ફ્રિઝ, વોશિંગ મશીન અને એટીએફનો સમાવેશ થાય છે. આની સાથે જ એસી, વોશિંગ મશીન અને જેટ ફ્યુઅલ સહિતની ૧૯ વસ્તુઓ મોંઘી થઇ ગઇ છે. એર કન્ડીશનર અને રેફ્રીજરેટર માટે કમ્પ્રેશર ઉપર રેટ વર્તમાન ૭.૫ ટકાથી વધારીને ૧૦ ટકા કરી દેવામાં આવ્યો છે. આવી જ રીતે જેટ ફ્યુઅલ ઉપર આયાત ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે જેથી વિમાની યાત્રા વધુ મોંઘી થશે. એક નિવેદનમાં નાણામંત્રાલયે કહ્યું છે કે, કેન્દ્ર સરકારે બેઝિક કસ્ટમ ડ્યુટીમાં વધારો કરીને ટેરિફ પગલા લીધા છે. ચોક્કસ આયાત કરવામાં આવતી વસ્તુઓની આયાતને રોકવાનો પણ હેતુ છે.
આના પરિણામ સ્વરુપે સીએડીને ઘટાડવામાં મદદ મળશે. નવા રેટ તાત્કાલિક ધોરણે અમલી બન્યા છે. આ વસ્તુઓના શીપમેન્ટ ઉપર કુલ આયાત બિલ છેલ્લા નાણાંકીય વર્ષમાં ૮૬૦૦૦ કરોડ રૂપિયાનું રહ્યું હતું. ૧૯ વસ્તુઓ હવે વધુ મોંઘી બની રહી છે. એસી, રેફ્રીજરેટ અને વોશિંગ મશીન (૧૦ કિલોથી ઓછી) ઉપર આયાત ડ્યુટી બે ગણી કરીને ૨૦ ટકા કરવામાં આવી છે. બિનજરૂરી આયાત પર નિયંત્રણો સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પાંચ પાંખીય પગલાના ભાગરુપે છે. વધતી જતી ખાતાકીય ખાધ અને મૂડી આઉટ ફ્લોને કાબૂમાં લેવા વિવિધ પગલા લેવાઈ રહ્યા છે. આંકડા દર્શાવે છે કે, એપ્રિલ-જુન ત્રિમાસિક ગાળામાં સીએડીનો આંકડો જીડીપીના ૨.૪ ટકા રહ્યો હતો. સીએડી ઇન્ફ્લો અને આઉટફ્લો જે ફોરેન એક્સચેંજમાં રહે છે તેના વચ્ચેનો આંકડો છે. આજે ેકન્દ્રીય કેબિનેટની પણ બેઠક મળી હતી જેમાં શ્રેણીબદ્ધ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. સરકારે ૧૯ વસ્તુઓ ઉપર આયાત ડ્યુટીને પણ વધારી દીધી છે. આનાથી ચીજવસ્તુઓ મોંઘી થશે.