ભાવનગર શહેર નજીકના અને મહાપાલિકામાં ભેળવાયેલા નારી ગામે વિધાનસભાની ચૂંટણી આવતા પૂર્વે નારી ગામને પંચાયતીરાજ પાછુ આપો અને મહાપાલિકામાંથી મુક્તિ આપો સહિતના બેનરો લાગતા ચક્ચાર મચી જવા પામી છે.
ભાવનગર શહેર નજીકના અકવાડા, અધેવાડા, તરસમીયા, નારી સહિતના ગામોને મહાપાલિકામાં ભેળવાયા બાદ નારી ગામને મહાપાલિકા કક્ષાની સુવિધાઓ ન મળતી હોય ગ્રામજનો દ્વારા અગાઉ પણ મહાપાલિકામાંથી મુક્તિ આપવાની માંગણી કરાયા બાદ હવે વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે ફરીથી નારી ગામે પંચાયતીરાજ પરત આપો અને મહાપાલિકામાંથી મુક્તિ આપો તેમજ લોકશાહીના મનસ્વી નિર્ણયો સામે મહાપાલિકાનો સખ્ત વિરોધ તેમજ નારી ગ્રામ પંચાયત પરત આપો નહીં તો કોઈપણ પક્ષના નેતાએ ગામમાં પ્રવેશવાનું બંધ રાખવા સહિતના બેનરો લાગતા રાજકિય વર્તુળોમાં ચક્ચાર મચી જવા પામી છે. નારી ગામને રસ્તા, પાણી સહિતની પુરતી સુવિધાઓ ન મળતા અગાઉ પણ ગ્રામજનો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી.