હિમાચલ પ્રદેશના રાજ્યપાલ આચાર્ય દેવ વ્રતે જણાવ્યું કે હોલસ્ટેઈન ફ્રિસિયન અને જર્સી જેવી વિદેશી ગાયોનું દૂધ પીવું લોકો માટે જોખમી છે અને તેનાથી ઉગ્રતા વધે છે તેમજ બ્લડ પ્રેશર પણ વધી જાય છે. તેમણે દેશી ગાયનું દૂધ સ્વાસ્થ્ય માટે સારું હોવાથી વિદ્યાર્થીઓને તે પીવાની સલાહ આપી હતી. ગોરખપુરમાં ‘સનાતન હિન્દુ ધર્મમાં ગાયનું મહત્વ’ વિશે બોલતા હિમાચલના રાજ્યપાલે લોકોને આવી વિચિત્ર સલાહ આપી હતી. રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત અહીં ગોરખાનથ મંદિરમાં પૂર્વ પૂજારી મહંત દિગ્વિજયનાથ અને મહંત અવૈદ્યનાથની જયંત્તિ પરના એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા જેમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત હતા.
આચાર્ય દેવ વ્રતના મતે તેમની પાસે હરિયાણામાં કુરુક્ષેત્ર ખાતે તેમના ૨૦૦ એકરના ફાર્મમાં ૩૦૦ ગાયો છે. તેમણે ગૌમૂત્ર અને છાણમાંથી ઝીરો બજેટમાં ‘જીવ અમૃત’ ખાતર બનાવવાની વિગતો પણ આ કાર્યક્રમમાં જણાવી હતી.
વ્રતની ખાતર બનાવવાની સલાહને હરિયાણા સરકારે અપનાવી છે અને આ માટે ખેડૂતોને ખાતર તૈયાર કરવા માટે ૨૫ કરોડની ગ્રાન્ટ પણ મંજૂર કરી હોવાનું તેમણે જણાવ્યું હતું.
ગોરખપુરમાં કાર્યક્રમમાં તેમણે યુપીમાં ગૌરક્ષાની પ્રશંસનીય કામગીરી બદલ સીએમ યોગી આદિત્યનાથની સરાહના પણ કરી હતી.