ભારત-બાંગ્લા વચ્ચે એશિયા કપ ફાઇનલ  જંગ

1550

દુબઇના ઐતિહાસિક મેદાન પર આવતીકાલે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એશિયા કપ ક્રિકેટની ફાઇનલ મેચ રમાનાર છે. આ મેચ ફાઇટ ટુ ફિનિશ સમાન બની  રહેશે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ  વર્તમાન એશિયા કપમાં ધરખમ દેખાવ કરીને ફાઇનલમાં પહોંચી છે. ભારતીય ટીમ વધુ એક વખત એશિયા કપ જીતવા માટે સંપૂર્ણ પણે તૈયાર છે. ભારતીય ટીમમાં અફઘાનિસ્તાન સામેની મેચમાં પાંચ ફેરફાર કરવામાં આવ્યા હતા. જો કે આવતીકાલે રમાનારી મેચમાં તમામ સ્ટાર ખેલાડીઓ પરત ફરશે. જેમાં રોહિત શર્મા, શિખર ધવન, ભુવનેશ્વર કુમાર, જશપ્રીત બુમરાહનો સમાવેશ થાય છે. ભારતીય ટીમના હાલના ફોર્મને જોતા ટીમ ઇન્ડિયા હોટફેવરીટ ટીમ તરીકે છે. ભારત વર્તમાન ચેમ્પિયન તરીકે પણ છે. રોહિત શર્મા અને શિખર ધવન જોરદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે ૨૫મી સપ્ટેમ્બરના દિવસે ભારતે વર્તમાન એશિયા કપની તેની છેલ્લી મેચ રમી હતી. આ સુપર ચાર રાઉન્ડની ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ ભારે રોમાંચક તબક્કામાં પ્રવેશી ગયા બાદ આખરે ટાઇમાં પરિણમી જતા કેટલાક ભારતીય ચાહકોને નિરાશા હાથ લાગી હતી. છેલ્લા ઓવરમાં ભારતને છ રનની જરૂર હતી અને છેલ્લા બે બોલમાં બે રનની જરૂર હતી ત્યારે આ મેચ ટાઇમાં પરિણમી હતી. પોતાની તમામ મેચો જીતી લીધા બાદ અફઘાનિસ્તાન સામેની મેચમાં  ભારતીય ટીમમાં પાંચ ફેરફાર કરવામાં આવ્યા હતા. દુબઈમાં એશિયા કપ ક્રિકેટની મેચમાં અફઘાનિસ્તાન સામે મહેન્દ્રસિંહ ધોનીને ફરી એકવાર કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારે તમામની નજર ધોની ઉપર કેન્દ્રિત થઇ ગઈ હતી. ધોની ૬૯૬ દિવસ બાદ ફરી ટીમ ઇન્ડિયાના કેપ્ટન તરીકે મેદાનમાં ઉતર્યો હતો. ધોનીએ છેલ્લે ૨૯મી ઓક્ટોબર ૨૦૧૬ના દિવસે ન્યુઝીલેન્ડની સામે વિશાખાપટ્ટનમમાં કેપ્ટન તરીકેની  ભૂમિકા અદા કરી હતી. આ મેચમાં ભારતની ૧૯૦ રને જીત થઇ હતી. કેપ્ટન તરીકે ધોનીએ ૨૦૦મી મેચ રમી હતી. આ સિદ્ધિ મેળવનાર તે ત્રીજો કેપ્ટન બન્યો હતો. છેલ્લી મેચમાં રોહિત શર્મા, શિખર ધવન, યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર અને જશપ્રીત બુમરાહને આરામ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો નથી. તેમની જગ્યાએ લોકેશ રાહુલ, મનીષ પાન્ડે, દીપક ચહર, ખલીલ અહેમદ અને સિદ્ધાર્થ કોલને ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. જો કે યુવા ખેલાડી અપેક્ષા કરતા નબળા સાબિત થયા હતા. હવે આવતીકાલની મેચમાં ટીમ સંપૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતરનાર છે. બાંગ્લાદેશની ટીમ પણ એશિયા કપમાં ભારત બાદ બીજી સૌથી સારી ટીમ તરીકે રહી છે. તે પાકિસ્તાનને હાર આપીને ફાઇનલમાં પહોંચી ગઇ છે. ગઇકાલે મોડી રાત્રે રમાયેલી મેચમાં બાંગ્લાદેશે પાકિસ્તાન પર જીત મેળવી હતી. આની સાથે જ તેની ફાઇનલમાં કુચ થઇ હતી. બાંગ્લાદેશે આ મેચ ૩૭ રને જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે ૨૩૯ રન કર્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ ૫૦ ઓવરમાં નવ વિકેટ ગુમાવીને ૨૦૨ રન જ કરી શકી હતી. આવતીકાલે રમાનારી મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. દુબઇમાં પણ મોટી સંખ્યામાં ભારતીય ક્રિકેટ ચાહકો પહોંચી ગયા છે. ભારત ફેવરટી તરીકે છે. દુબઇના ઐતિહાસિક મેદાન પર આવતીકાલે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એશિયા કપ ક્રિકેટની ફાઇનલ મેચ રમાનાર છે.

ભારત : રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, રાહુલ, નાયડુ, મનિષ પાન્ડે, કેદાર જાધવ, એમએસ ધોની, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, જશપ્રીત બુમરાહ, ઠાકુર, ખલીલ અહેમદ

બાંગ્લાદેશ : મોર્તઝા (કેપ્ટન), લિટોન દાસ, સોમૈયા સરકાર, મોમીનુલ હક, મુસફીકર રહીમ, મોહમ્મદ મિથુન, ઇમરુલ કેયાસ, મહેમુદુલ્લાહ, મહેંદી હસન, રુબેલ હુસૈન, મુસ્તફાફિઝુર રહેમાન, શાકીબ અલ હસન.

Previous articleઓસ્ટ્રેલિયાએ પ્રથમવાર બે વાઈસ કેપ્ટન બનાવાયા : એમ.માર્શ, જોશ હેઝલવુડ
Next articleપેથાપુર નગરપાલિકા પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય