ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર હોય આચારસંહિતાનો અમલ શરૂ હોય ત્યારે ભાવનગર શહેરના કેટલાક વિસ્તારોમાં ગુજરાત વિકાસના હોર્ડિંગ્સ લાગતા તંત્રના ધ્યાને આવતા તેની મંજુરી રદ્દ કરી નાખવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ આદર્શ આચારસંહિતાની અમલવારી શરૂ થયેલ છે ત્યારે શહેરના કાળાનાળા, સંત કંવરરામ ચોક, વાઘાવાડી રોડ, જોગર્સ પાર્ક સહિત કેટલાક વિસ્તારોમાં વડાપ્રધાન, મુખ્યમંત્રી, ભાજપના રાષ્ટ્રીય તથા પ્રદેશ પ્રમુખ સહિતના ફોટા સાથેના ગુજરાત વિકાસના હોર્ડિંગ્સો લાગ્યા છે.
આ અંગે ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠકના મદદનીશ ચૂંટણી અધિકારી વી.એન. પરમાર સાથે ટેલીફોનિક ચર્ચા કરતા જણાવેલ કે અમારા ધ્યાને આવેલ છે અને તે હોર્ડિંગ્સ મહાપાલિકાના વાર્ષિક કોન્ટ્રાક્ટરની મંજુરીવાળા છે પરંતુ રાજકિય ફોટા સાથે લગાવતા તેની મંજુરી રદ્દ કરવામાં આવી છે અને તેને ઉતારી લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.