પહેલી નવેમ્બરથી કચ્છ રણોત્સવનો પ્રારંભ થઈ ચુકયું છે. ચુંટણીની આચાર સંહિતાને કારણે સામાન્ય રીતે જ પ્રથમ પ્રવાસીઓને આવકારીને રણોત્સવ ખુલ્લો મુકાયો છે અને આગામી ૪થી નવેમ્બરે પુનમના દિવસે બોલીવુડ અભિનેત્રી વિદ્યા બાલન કચ્છ રણોત્સવની મહેમાન બનશે.
સામાન્ય રીતે વાજતેગાજતે રણોત્સવની શરૂઆત થતી હોય છે જેના થકી કચ્છના ટુરીઝમની વિશ્વફલક પણ નોંધ લેવાતી હોય છે પણ આ વખતે ચુંટણી જાહેર થતા રણોત્સવનું ઓપનિંગ મોટાપાયે શરૂ થઈ શક્યુ નથી ત્યારે દેશ-વિદેશના લોકોની સફેદરણ પર નજર પડે અને ચાર માસ સુધી ચાલનારા આ ઉત્સવમાં જોડાય તે માટે બોલીવુડ અભિનેત્રી વિધા બાલનનો સહારો લેવાયો છે. વિદ્યા બાલન ૪થી નવેમ્બરે સફેદરણ આવી પહોંચશે. કચ્છની મહેમાનગતિ, ટેન્ટસિટીનો લ્હાવો તથા સફેદરણનો નજારો માણવા સાથે તેણી કચ્છના પ્રવાસનને પ્રમોટ કરશે.
૧લીથી શરૂ થયેલા રણોત્સવની સાથે જ ટેન્ટસિટિમાં બુકીંગ કરાવનાર પ્રવાસીઓ કચ્છનાં રણમાં આવી પહોંચ્યા હતાં. રણોત્સવનું આયોજન કરનાર ખાનગી કોન્ટ્રાકટ કંપનીના માલિકે આપેલી વિગતો મુજબ સાદગીપુર્ણ રીતે રણોત્સવ શરૂ કરી દેવાયો છે. ટેન્ટ સિટી નજીકનાં રણમાં સામાન્ય પાણી છે. પરંતુ અન્ય વિસ્તારોમાં રણ બરાબરનું તૈયાર થઈ ગયું છે. તેથી પ્રવાસીઓને ટેન્ટ સીટીથી દુર ૧૩ કિ.મી. અંદર શ્વેત રણનાં દર્શન કરાવવા લઈ જવાશે.
આગામી ૪થી નવેમ્બરે પુનમનાં દિવસે બોલીવુડ અભિનેત્રી વિદ્યા બાલન કચ્છનાં સફેદ રણમાં મહેમાનગતિ માણવા આવી રહી છે. બોલિવુડ અભિનેત્રી સેલિબ્રીટી એવી વિદ્યા બાલન ગુજરાત પ્રવાસન વિભાગનું પ્રમોશન પણ કરશે. લોકો પ્રવાસન સ્થળો પર આકર્ષાય તે માટે આયોજનનાં ભાગરૂપે વિદ્યા બાલનને સફેદ રણમાં આવવાનું આમંત્રણ અપાયું છે. ત્યારે આગામી શનિવારે વિદ્યા બાલન રણોત્સવમાં આકર્ષણ ઉભુ કરશે.