ગેસના બાટલા પરથી GST નાબૂદ કરવા માંગ

748
guj3112017-8.jpg

એલપીજીના સબસીડીવાળા સિલિન્ડરના ભાવમાં રૂ.૪.૫૦ના ભાવવધારાને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ખાસ કરીને રસોઇ કરતી ગૃહિણીઓ અને મહિલાઓમાં એલપીજીના ભાવવધારાને લઇ ઉગ્ર રોષની લાગણી ફેલાઇ ગઇ છે. બીજીબાજુ, ગ્રાહ્‌ક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ મુકેશ પરીખે એલપીજીના સબસીડીવાળા સિલિન્ડરમાં રૂ.૪.૫૦ના ભાવવધારાને ઉગ્ર શબ્દોમાં વખોડી કાઢયો છે અને ગેસના બાટલા પર કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા વસૂલવામાં આવતાં રૂ.૩૫ના જીએસટીને તાત્કાલિક નાબૂદ કરવા માંગણી કરી હતી. ગ્રાહ્‌ક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ મુકેશ પરીખે આ અંગે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની ગ્રાહક વિરોધી નીતિઓના કારણે માર્ચ-૨૦૧૮ સુધીમાં એલપીજી રસોઇ ગેસનો બાટલો રૂ.૧૦૦૦ સુધીના ભાવે પહોંચી જવાનો ખતરો તોળાઇ રહ્યો છે. અત્યારે નોન સબસીડીનો ભાવ રૂ.૭૪૨ છે. છેલ્લા ત્રણ વર્ષમાં સબસીડીવાળા બાટલામાં રૂ.૮૧નો ભાવવધારો થયો છે, તેના કારણે નિર્દોષ પ્રજાજનો ખાસ કરીને મહિલાઓ અને ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, કેન્દ્ર અને રાજય સરકાર ભાગીદારીમાં એલપીજી સિલિન્ડર પર રૂ.૩૫નો જીએસટી વસૂલ કરી રહી છે વળી, સબસીડી નાબૂદ કરવાથી ગરીબો પર મોંઘવારી અને ભાવવધારાનો આઘાતજનક માર પડી રહ્યો છે. ગ્રાહક વિરોધી નીતિના વિરોધમાં સમિતિ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક લાખ ગ્રાહકોની સહીઓ સાથેનું આવેદનપત્ર મોકલવાનો નિર્ણય કરાયો છે. તેમણે  સબસીડીની સ્કીમ બંધ કરવાના સરકારના નિર્ણયની પુનઃ સમીક્ષા કરવા માંગણી પણ કરી હતી. સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ચીમકી આપી હતી કે, જરૂર પડયે રાજયના લાખો ગ્રાહક મતદારોને વિધાનસભા ચૂંટણીમાં નોટાનું શસ્ત્ર ઉગામવા એલાન અપાશે.એલપીજી ગ્રાહકો સાથે થતી વિવિધ છેતરપીંડી અટકાવવા તેમ જ ગ્રાહકોની સુરક્ષા અને સલામતી માટે સમિતિ દ્વારા ગ્રાહક જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગ્રાહકોના હક અને અધિકારના રસોઇ ગેસના બાટલા સરકારના ખોખલા તંત્રના કારણે રૂ.૮૦૦થી રૂ.૯૦૦ માં કાળાબજામાં વેચાણ થઇ રહ્યા છે. ખાસ કરીને હોટલ, રેસ્ટોરન્ટ, ચાની કીટલીવાળા, ફેકટરી અને કારખાનાવાળા સહિતના એકમોમાં આ રસોઇગેસના બાટલાઓ કાળાબજારમાં ખુલ્લેઆમ વેચાઇ રહ્યા છે, છતાં સરકારી તંત્ર આ કાળાબજારના દૂષણને નાથવામાં સરેઆમ નિષ્ફળ ગયું છે.

Previous articleકોંગ્રેસ રાજ્યમાં ૫૦૦ સભાઓ સંબોધશે
Next articleમહંતસ્વામી હાથ ઝાલે પછી મારે શું ચિંતા? : મોદી