ઓસ્ટ્રેલિયાના સ્ફોટક બેટ્સમેન ડાર્સી શોર્ટે ક્વિન્સલેન્ડ સામેની મેચમાં તૂફાન મચાવતા માત્ર ૧૪૮ બોલમાં ૨૫૭ રનની યાદગાર ઇનિંગ્સ રમી હતી. આ સાથે શોર્ટે ઘણા રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. ડાર્સી શોર્ટે રમેલી ૨૫૭ રનની શાનદાર ઇનિંગ્સ ઓસ્ટ્રેલિયા તરફથી વન-ડે ક્રિકેટમાં સૌથી મોટી ઇનિંગ્સ છે જયારે દુનિયાના અન્ય ક્રિકેટ દેશોની સરખામણીમાં ત્રીજી સૌથી મોટી ઇનિંગ્સ છે. ડાર્સી શોર્ટે શુક્રવારે ઓસ્ટ્રેલિયામાં ઘરેલું ક્રિકેટમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા તરફથી રમતા આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી.
કાંગારું ખેલાડી ડાર્સી શોર્ટની આગળ ઈંગ્લેંડના અલી બ્રાઉન અને ભારતના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા આગળ છે. અલી બ્રાઉને વર્ષ ૨૦૦૨માં ૧૬૦ બોલમાં ૨૬૮ રનની ઇનિંગ્સ રમી હતી. જયારે ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન રોહિત શર્માએ ૨૦૧૪માં ઈડન ગાર્ડનમાં શ્રીલંકાની સામે ૧૭૩ બોલમાં ૨૬૪ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. ડાર્સી શોર્ટે પોતાની ૨૫૭ રનની યાગ્દાર ઇનિંગ્સ દરમિયાન ચોક્કા અને છક્કાની રમઝટ બોલાવતા ૨૩ સિક્સર અને ૧૫ ચોક્કા ફટકાર્યા હતા.