તેલંગણા સરકારે વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનું સ્મારક બંધાવવાનું નક્કી કર્યું છે, એમ રખેવાળ મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે જણાવ્યું હતું. આ અંગે ફરજ પર તહેનાત અધિકારીઓને આદેશો જારી કરવામાં આવ્યા છે.
ભારતના માજી વડા પ્રધાનના જીવનમાં મૂલ્યો અને આદર્શોનું અદકેરું મહત્ત્વ હતું, એમ રાવે ઉમેર્યું હતું. રાજ્ય સરકારે હૈદરાબાદમાં એક એકર જમીન ફાળવવાનું નક્કી કર્યું છે, એમ રાવે જણાવ્યું હતું. ઑગસ્ટમાં મૃત્યુ પામેલા અટલ બિહારી વાજપેયી માટે તેલંગણા સરકારના ગૃહે શોકસંદેશ રજૂ કર્યા બાદ તેઓ ઉક્ત ઠરાવ અંગે બોલી રહ્યા હતા. આ ઉપરાંત કાઉન્સિલે લોકસભાના માજી સ્પીકર સોમનાથ ચેટરજી, તમિળનાડુના માજી મુખ્ય પ્રધાન એમ. કરુણાનિધિ તેમ જ ‘પદ્મશ્રી’ વિજેતા જાણીતા મિમિક્રી કલાકાર નૈરેલ્લા વેણુમાધવનાં નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો. તાજેતરમાં જગતીયાલ જિલ્લામાં કોન્ડાગટ્ટૂ ખાતે થયેલી બસ હોનારતમાં મૃત્યુ પામેલા ૬૦ કરતાં વધારે લોકોના સ્વજનો પ્રતિ તેમ જ કેરળમાં આવેલા વિનાશક પૂરપ્રકોપ અંગે પણ સંવેદના વ્યક્ત કરીને ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું.