સેકટર – ર૪ માં દબાણો તોડયા બાદ મોટા માથાના દબાણો તોડવા પ્રજાના પ્રચંડ આક્રોશ સામે મ્યુનિસિપલ કમિશનર અમરાણીએ ખાત્રી આપી હતી કે દબાણની કામગીરી સમાન રીતે કરવામાં આવશે. તે સંદર્ભે સેકટર-ર૪ ના મોટા માથાના દબાણો તોડી પડાયા હતા. આ ઉપરાંત કોંગ્રેસના સગાના દબાણો પણ તોડી પાડવામાં આવશે. ઉપરાંત કમિશનર ઉપર સૌથી મોટું દબાણ હવે એ રહેશે કે સેકટર – ર૧ માં કવોલીટી પ્રિન્ટીંગ પ્રેસ જે મેયરનું ખુદનું ગેરકાયદેસર દબાણ હોવાથી તોડવું કે નહીં ?
જો કે ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો સંપર્ક કરતાં કોઈની પણ શરમ રાખ્યા વગર દબાણ કાર્યવાહી કરવા તેમના તરફથી લીલીઝંડી આપી હોવાનું તેમણે જણાવ્યું હતું. આમ થોડાક જ દિવસમાં ભાજપના સૌથી પ્રથમ નાગરિકના ખોટા બાંધકામને તોડી પડાશે તેવું માનવામાં આવી રહ્યું છે. નવાઈની વાત તો એ છે કે મેયરે ખુદ આવા દબાણો તોડી પાડવાનો પત્ર લખ્યો હતો. ત્યારે પ્રજામાં ચર્ચા છે કે પોતાનું દબાણ તોડાવી મેયરે દાખલો બેસાડવો જોઈએ. વાળ ચીભડા ગળે તો કોને કહેવા જવુ ?
ઉલ્લેખનીય છે કે ગત માર્ચ મહિનામાં તારીખ ૬ઠ્ઠીએ સેક્ટર ૨૪ સ્થિત જયઅંબે હરસિદ્ધનગર વસાહત સેવા ટ્રસ્ટના પ્રમુખ અજયસિંહ પરમારે આ વિસ્તારમાં કોર્પોરેટરો અને તેમના મળતિયાઓ સહિત લોકોએ વ્યાપક દબાણ અને ગેરકાયદે બાંધકામ કરીને મુળ લાભાર્થી રહેવાસીઓના સુખ ચેન છીનવી લીધા હોવાથી કાર્યવાહી કરવાની માગણી કરતી અરજી કલેક્ટર અને કમિશનરને આપી હતી. આ અરજી જોડીને યોગ્ય કાર્યવાહી તુરંત કરવા માટે મેયર પ્રવિણભાઇ પટેલ, કોર્પોરેટર ધીરૂભાઇ ડોડિયા અને અંકિત બારોટ દ્વારા કમિશરને યોગ્ય કાર્યવાહી કરવા માટે પત્ર લખાયા હતા.
પાટનગરમાં ગેરકાયદે બાંધકામ તોડવામાં વ્હાલા દવલાની નીતિ અપનાવવાના કારણે બદનામ થયા પછી ગુરુવારે મહાપાલિકાના અધિકારીઓ સીધા સેક્ટર ૨૪માં પહોંચ્યા હતા અને ભાજપના માથાઓના સંબંધિઓએ કરેલા દબાણ પર જ હથોડા મારીને બાંધકામ તોડ્યા હતા.
જોકે સેક્ટર ૨૪માં મહાપાલિકા ની ટીમ પહોંચ્યાની સાથે વેપારીઓ અને વસાહતીઓના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. દરમિયાન વેપારીઓને સ્વેચ્છાએ દબાણ તોડી પાડવા માટે સમય આપવાની રજૂઆત કરવા સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા આવેલા કોર્પોરેટર ધીરૂભાઇ ડોડિયા સાથે ચાલુ બેઠક દરમિયાન જ એક રહેવાસીએ તું તારી કરી દેતા ડીએમસીની ચેમ્બરમાં સોપો પડી ગયો હતો.
આ પહેલા રાત્રે વેપારીઓ દ્વારા સેક્ટર ૨૪ના ચોકમાં બેઠક બોલાવી તેમાં ભાજપના કોર્પોરેટર ધીરૂભાઇ અને કોંગ્રેસના કોર્પરેટર અંકિત બારોટ હાજર રહ્યા હતા અને મહાપાલિકાના અધિકારીઓને રજૂઆત કરવા નક્કી કરાયુ હતુ. ગુરુવારે સવારે ભાજપના એક આગેવાનનું ગેરકાયદે બાંધકામ નહીં તોડવાના મુદ્દે પણ રહેવાસીઓ રોષે ભરાયા હતા અને કોર્પોરેટરને ધક્કે ચઢાવવા જેવી સ્થિતિનું સર્જન થયુ હતુ.
આજે દબાણ તોડાયા તેમાં સ્થાયી સમિતિના ચેરમેનના ભાઇ દશરથભાઇ પટેલનું મકાન અને શહેર ભાજપના ઉપાધ્યક્ષ સુભાષ પટેલના બાંધકામનો સમાવેશ થયો હતો.