ગુજરાતના નાગરિકો અને ખેડૂતો માટે સરકારે અનેકવિધ નિર્ણયો કર્યા છે. જેના ભાગરૂપે રાજ્યમાં ઓન લાઈન એન.એ.(બિન ખેતી)નો અમદાવાદ-ગાંધીનગર ખાતે હાથ ધરાયેલ પાયલોટ પ્રોજેક્ટની સફળતાને ધ્યાને લઈ આ પ્રોજેક્ટ આગામી સમયમાં રાજ્યભરમાં લાગુ કરાશે, એમ મહેસૂલપ્રધાન કૌશિક પટેલે જણાવ્યું છે. શુક્રવારે ગાંધીનગરમાં રાજ્યના તમામ જિલ્લા કલેકટરોની ત્રિમાસિક કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં મહેસૂલી નિર્ણયોમાં ઝડપી અમલ થાય તથા તેના લાભો સત્વરે લોકોને મળતા થાય તે બાબતોને અગ્રીમતા આપવા સૂચનાઓ આપી હતી.
વધુમાં કહ્યું કે, જમીન રી-સર્વેની કામગીરીમાં પણ પ્રમોલગેશનની કામગીરી પૂર્ણ કરાઈ છે, ત્યાં જે વાંધાઓ આવ્યાં છે તે જગ્યાએ ખેડૂતોને વિશ્વાસમાં લઈને ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ સુધીમાં ન્યાયીક ઉકેલ લાવવા સર્વે જિલ્લા કલેકટરોને સુચના આપવામાં આવી છે તેમજ પ્રમોલગેશનની કામગીરી સ્થગીત કરવામાં આવી છે.
તેવા ગામોમાં પણ ક્ષતિ રહિત રી-સર્વેની કામગીરી હાથ ધરાશે. વધુમાં, જમીન માપણી સાથે સંકળાયેલ એજન્સીઓની ગેરરીતીની તપાસ પણ થઈ રહી છે. મહેસૂલપ્રધાને ઉમેર્યુ હતું કે, મુખ્યપ્રધાન રૂપાણીએ રાજ્યની ૮ મહાનગરપાલિકાઓમાં સૂચિત સોસાયટીઓને નિયમિત કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. સરકારી પડતર જમીન જે વિવિધ હેતુઓ માટે આપવા કિંમત નક્કી કરવાની નવી ફોર્મ્યુલા રાજ્ય સરકારે અમલી બનાવેલ છે, તેનો ઝડપથી અમલ કરીને આવનાર સમયમાં બાકી કેસોનો સત્વરે નિકાલ થાય તેવા આદેશો પણ કલેકટરોને કરી દેવાયા છે. રાજ્યના અછતગ્રસ્ત વિસ્તારોમાં પુરતા પ્રમાણમાં પાણી, ઘાસચારો તથા રોજગારી મળી રહે તે માટે મુખ્યપ્રધાન દ્વારા બનાવવામાં આવેલ બે કમિટીઓ દર અઠવાડીયે અછતગ્રસ્ત પરિસ્થિતિનો રીવ્યુ કરી સત્વરે પગલાં ભરશે.