બેંગલુરૂના જિંદાલ નેચરક્યોર ખાતે સારવાર કરાવીને અમદાવાદ પરત ફરેલા પાસ કન્વીનર હાર્દિક પટેલે આજે આવતાની સાથે જ ફરી એકવાર ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપ સરકાર અને ધારાસભ્યોને ખેડૂતો કે ગુજરાતની જનતાની કંઇ પડી નથી. લસણ-ડુંગળી સહિતના શાકભાજીના ભાવો તળિયે બેસી જવા છતાં અને ખેડૂતો માટે રાતા પાણીએ રડવાના દિવસો હોવાછતાં આ સંવેદનહીન સરકારને ખેડૂતોની કોઇ ચિંતા કે પરવા નથી. વિધાનસભામાં તાજેતરમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ તોતીંગ પગારવધારો લઇ લીધો તે પરથી તો એમ લાગે છે કે, જો પગારવધારો ના મળ્યો હોત તો, ધારાસભ્યો આત્મહત્યા કરી લેત એમ કહી હાર્દિકે ધારાસભ્યો પર માર્મિક કટાક્ષ કર્યો હતો. આ સાથે જ હાર્દિક પટેલે તા.૨જી ઓકટોબરે ગાંધીજયંતિના દિનથી મોરબી જિલ્લાના બગથળા ગામે પોતાના પ્રતિક ઉપવાસ આંદોલનની ફરી એકવાર જાહેરાત કરી હતી.
હાર્દિકે જણાવ્યું હતું કે, તે ગુજરાતના ખેડૂતોની દેવા માફી, પાટીદારો માટે અનામત અને પાસના નેતા અલ્પેશ કથીરીયાની મુક્તિની ત્રણ માંગણીઓ સાથે રાજયના ૨૮ પ્રભાવિત જિલ્લાઓ અને ૧૬૦થી વધુ તાલુકાઓમાં પ્રતિક ઉપવાસ કરશે અને સરકાર પર દબાણ લાવશે કે જેથી ગુજરાતની પ્રજાના હિતમાં સરકાર નિર્ણય લે. હાર્દિક પટેલે અમદાવાદ પરત ફરતાંની સાથે જ પ્રતિક ઉપવાસ આંદોલનના આગામી તબક્કાની તૈયારીઓ આરંભી દીધી છે. ગાંધી જયંતિથી રાજ્યના વિવિધ સ્થળોએ ફરીવાર પ્રતિક ઉપવાસ કરી આંદોલનનું શરૂ કરશે. હાર્દિક આ પ્રતિક ઉપવાસનો મોરબીના બગથળા ગામેથી પ્રારંભ કરશે. હાર્દિકે પાટીદાર અનામતની સાથે ખેડૂતોની દેવાં માફી અને સાથીદાર એલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ મુદ્દે અગાઉ ૧૯ દિવસના ઉપવાસ કર્યા હતા. તે સમયે સરકારે નમતું ન જોખતા અંતે હાર્દિક પટેલે પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનોની ઉપસ્થિતિમાં પારણાં કરી લીધા હતા. આ ઉપવાસ દરમિયાન હાર્દિક પટેલની તબિયત વારંવાર લથડી હતી, જેને ધ્યાનમાં લઈને ઉપવાસ પૂર્ણ થયા બાદ હાર્દિક પટેલ બેંગાલુરુ ખાતેના જિંદાલ નેચર ક્યોરમાં સારવાર માટે ગયો હતો. ત્યાંની સારવાર પૂર્ણ થયા બાદ હાર્દિક આજે અમદાવાદ આવી પોતાના પ્રતિક ઉપવાસ આંદોલનની જાહેરાત કરી હતી. તેના આ આંદોલનને લઇ પાસના અગ્રણીઓ અને કાર્યકરો પણ કામે લાગી ગયા છે.