રાજ્યના ૩૫ હજારથી વધુ મેડીકલ સ્ટોર બંધ રખાયા

670

ઓનલાઇન દવાઓના વેચાણ ઈ-ફાર્મસીના વિરોધમાં આજે અમદાવાદ શહેરની પ૦૦૦થી વધુ અને રાજ્યની ૩પ હજારથી વધુ દવાની દુકાનોએ આજે બંધ પાળતાં દર્દીઓ અને તેમના પરિજનોને ભારે હાલાકીનો ભોગ બનવુ પડયું હતું તો, સામાન્ય લોકોને પણ રૂટીન દવા લેવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. દવાના ઓનલાઇન વેચાણ અને તેને પ્રોત્સાહન આપતાં કેન્દ્રના જાહેરનામાનો દવાની દુકાનવાળા ફાર્માસીસ્ટોએ બંધ પાળી ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જો કે, આ બંધના એલાન દરમ્યાન પ્રજાને તકલીફ ન પડે તે માટે સ્ટેટ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિયેશને અમદાવાદના ૧ર વિસ્તારમાં દુકાન ખુલ્લી રાખવા નિર્ણય લીધો હતો અને દરેક જિલ્લામાં પણ કેટલીક દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય લેવાયો હતો પરંતુ તેમ છતાં લોકો હાલાકીમાં મુકાયા હતા. કેન્દ્ર સરકારે દવાનું ઓનલાઇન વેચાણ-ફાર્મસીના વેચાણને પ્રોત્સાહન આપવા ગત મહિને નોટિફિકેશન બહાર પાડ્‌યું છે તેના વિરોધમાં ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિયેશને વિરોધ જાહેર કર્યો છે. સાથે સાથે વોલમાર્ટ-ફિ્‌લપકાર્ટના જોડાણના વિરોધમાં કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ દ્વારા આપવામાં આવેલું બંધનું એલાન નિષ્ફળ રહ્યું હતું. એસોસિએશનની ગુજરાત બ્રાન્ચના પ્રેસિડેન્ટ અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે સરકારે જાહેર કરેલા નોટિફિકેશનમાં અનેક વિસંગતતાઓ છે. ઓનલાઇન દવાનું વેચાણ કરતી કંપનીની કોઈ જવાબદારી નક્કી કરવામાં આવી નથી. ઈ-ફાર્મસી બંધ થવી જોઈએ. જેમ નિયમ પ્રમાણે ગ્રાહકને કેમિસ્ટ દ્વારા જ દવા આપી શકાય તે નિયમનું ઉલ્લંઘન થશે. હવે ભારત સરકાર ઈ-ફાર્મસીને કાયદેસર કરવા જઈ રહી છે ત્યારે હવે તેના વિરોધમાં આજે રાજ્યભરના મેડિકલ સ્ટોર બંધ પાળી પોતાનો વિરોધ વ્યકત કર્યો છે. આજે સરકારના વિરોધમાં કાળી પટ્ટી ધારણ કરી માર્ગો પર ઊતરીને વિરોધ પ્રદર્શન યોજાયા હતા. ઈ-ફાર્મસીના વિરોધમાં ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ દ્વારા એક દિવસીય બંધમાં ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિયેશનના સભ્યો પણ જોડાયા હતા.

આ અંગે ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિયેશનના ચેરમેન જશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમારા બંધમાં ડોક્ટર, એમઆર, સર્જિકલ સાધનોના વેપારી અને કટલેરીના વેપારીઓ પણ જોડાયા છે. એસોસિયેશન રાજ્યમાં એક દિવસના બંધથી રૂ.૩૫૦ કરોડના નુકસાનનો અંદાજ છે. ગુજરાતમાં વર્ષે પાંચથી છ હજાર કરોડનું ટર્નઓવર રહે છે. આ ગણતરી મુજબ એક દિવસ મેડિકલ સ્ટોર્સ બંધ રહે તો રૂ.૩૫૦ કરોડનું નુકસાન ગણાવી શકાય. વોલમાર્ટ ફિ્‌લપકાર્ટ જોડાણની ડીલ અને રિટેલ સેક્ટરમાં સીધા વિદેશી મૂડીરોકાણની મંજૂરીના વિરોધમાં બંધના એલાનને નિષ્ફળતા મળી હોવાનું સામે આવ્યું હતું.

Previous articleસ્વાઈન ફ્લુથી ગુજરાતમાં ભારે દહેશત : વધુ ૩ મોત
Next articleઠાડચ ગામે ગોપાલગીરીબાપુની પ૬મી પુણ્યતિથી મહોત્સવ સોમવારે ઉજવાશે