તળાજા-પાલિતાણા માર્ગ પર આવેલા ઠાડચ ગામે સંત ગોપાલગીરીબાપુની પ૬મી પુણ્યતિથિ મહોત્સવની આગામી તા. ૧ને સોમવારે ઉજવણી કરવામાં આવશે. આ નિમિત્તે આજુબાજુના સાત ગામોનો ગામ ધુમાડો બંધ રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આ દિવસે ગુરૂપુજન, શોભાયાત્રા, મહાપ્રસાદનું સેવક સમુદાય દ્વારા શ્રધ્ધાભેેર આયોજન પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તા. ૩૦-૯ને રવિવારે સમાજ ઉપયોગી સેવા કાર્યના ભાગરૂપે જીવત જયોત હોસ્પિટલ ખાતે બપોરના ર કલાકે રકતદાન કેમ્પ યોજાશે. તા. ૧ને સોમવારે રાત્રે ૯-૩૦ કલાકે સંતવાણી કાર્યક્રમ પણ થશે. તે ઉપરાંત ગામ સ્વચ્છતા અભિયાન, સંતો અને શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવશે. સાથો સાથ આ ધર્મસ્થળે વ્યસન મુક્તિ માટેનો પ્રેરક કાર્યક્રમ યોજાશે.
ધર્મપ્રેમીઓના પ્રેમ, ભક્તિ અને સહયોગ થકી સંત શિરોમણી પૂ. ગોપાલગીરી બાપુ (ગુરૂ શિવગીરી બાપુ) ઠાડચની પુણ્યતિથિ નિમિત્તે ઠાડચ ઉપરાંત રાજપરા, સાંજણાસર, મેઢા, ભેગાળી, કુંઢડા, કુંઢેલી એમ સાત ગામના ગામ ધુમાડા બંધ રાખેલ છે. ઠાડચના ગામજનો, ગોપાલગીરીબાપુ સેવક સમુદાય, શિવકુંજ આશ્રમ જાળિયા સેવક સમુદાય, સ્વયંસેવકોના સક્રિય સહયોગથી તૈયારીઓ કરવામાં આવી છે. આ ધર્મકાર્યનો લાભ લેવા રાજુબાપુ અને સર્વ સેવક સમુદાયે અનુરોધ કર્યો છે.