પાકિસ્તાની જમીન ઉપર જઇને ત્રાસવાદીઓની સામે કરવામાં આવેલી કાર્યવાહીને બે વર્ષ પૂર્ણ થઇ ગયા છે. અંકુશરેખાની નજીક જઇને પાકિસ્તાનમાં ઘુસીને ભારતીય સૈનિકોએ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. સમગ્ર દેશમાં આજે જવાનોના પરાક્રમને યાદ કરવામાં આવી રહ્યા છે. આના ભાગરુપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જોધપુરમાં જવાનોની વચ્ચે પહોંચ્યા હતા. કોણાર્કયુદ્ધ સ્મારક ઉપર જઇને મોદીએ શ્રદ્ધાંજલિ આપી હતી. આની સાથે જ પરાક્રમ પર્વની શરૂઆત પણ થઇ ગઈ હતી. સર્જિકલ સ્ટ્રાઇકની બીજી વર્ષગાંઠ પર દેશભરમાં થનાર કાર્યક્રમ લોકસભાની ચૂંટણીની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે. આજથી શરૂ થયેલા કાર્યક્રમ ૩૦મી સપ્ટેમ્બર સુધી દેશના ૯૧ શહેરોમાં પરાક્રમ પર્વ તરીકે મનાવવામાં આવનાર છે. મોદીએ જોધપુર મિલેટ્રી સ્ટેશન પર સેનાના પરાક્રમ પર્વ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. મોદીએ સેનાની સંરક્ષણ તૈયારીઓ અને હથિયારોને પણ નિહાળ્યા હતા.
આ ગાળા દરમિયાન સેનાના બેન્ડે કદમ કદમ બઢાયે જાની ધૂન વગાડી હતી. પ્રદર્શની દરમિયાન ભારતીય જવાનોના પરાક્રમની વીરગાથા સંભળાવવામાં આવી હતી. પ્રદર્શન સ્થળ ઉપર બીજી બાજુ ઉપસ્થિત રહેલા લોકોએ મોદી જ્યારે પહોંચ્યા ત્યારે ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. મોદીએ તમામનો આભાર પણ ઝીલ્યો હતો. તે પહેલા જોધપુર વિમાની મથકે પહોંચ્યા બાદ મોદીનું ગાર્ડ ઓફ ઓનર આપીને સ્વાગત કરાયું હતું. મોદીએ મોડેથી કમાન્ડર્સ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે અને સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. દેશના જુદા જુદા ભાગોમાં પરાક્રમ પર્વની ઉજવણી આની સાથે જ શરૂ થઇ ચુકી છે. આ કાર્યક્રમોનો દોર હવે ૩૦મી સુધી ચાલનાર છે.