પાકિસ્તાનની સીમામાં ઘુસીને તેમને પાઠ ભણાવવા માટે કરાયેલ સર્જિકલ સ્ટ્રાઇકના બે વર્ષ પૂરા થવાના પ્રસંગે એક મોટી ખબર આવી છે. ગૃહમંત્રી રાજનાથસિંહે સીમા પાર પાકિસ્તાની ટાર્ગેટ્સ પર એક વધુ મોટા હુમલાનો સંકેત આપ્યો છે.
ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં એક કાર્યક્રમ દરમિયાન સિંહે કહ્યું, ‘બીએસએફના એક જવાનની સાથે પાકિસ્તાને જે રીતે ખરાબ વ્યવહાર કર્યો તે કદાચ તમને ખબર હશે. જેના ધ્યાનમાં રાખીને સીમા પર કંઇ થયું છે. હું જણાવીશ નહીં. થયું છે ઠીક ઠાક થયું છે. વિશ્વાસ રાખજો ઘણું ઠીક ઠાક થયું છે. બે-ત્રણ દિવસ પહેલા અને આગળ પણ જોજો શું થાય છે.’
ગૃહમંત્રીએ કહ્યું, ‘મેં આપણા બોર્ડર સિક્યોરીટી ફોર્સના જવાનોને કહ્યું હતું કે પડોશી છે પહેલી ગોળી ન ચલાવશો પરંતુ તેઓની એક પણ ગોળી આ બાજુ આવે તો પછી પોતાની ગોળીઓ ગણશો નહીં.’
ગૃહમંત્રીએ જમ્મુ અને કાશ્મીર સ્થિત સાંબા જિલ્લાના આંતરરાષ્ટ્રીય સીમા પર નરેન્દ્ર સિંહની હત્યાના સંદર્ભમાં નિવેદન આપ્યું હતું. અંગ્રેજી સમાચારપત્ર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટમાં કહેવાયું છે કે ભારે જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનને ઘણુ નુકસાન થયું છે.