ગુજરાત રાજ્યમાં રહેવાલાયક શ્રેષ્ઠ શહેર તરીકે રાજ્યના પાટનગર ગાંધીનગર સહિત એકપણ શહેરનો દેશના ટોપ ટેન શહેરોની જે યાદી જાહેર થઈ તેમાં સમાવિષ્ટ નથી. સૌથી વરવી વાસ્તવિકતા એ છે કે, હરીયાળી નગરી તરીકે ઓળખાતું રાજ્યનું પાટનગર ગાંધીનગર તો ગુજરાત રાજ્યમાં પણ પહેલા ક્રમે સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યું છે. ગાંધીનગર રાજ્યમાં ત્રીજા ક્રમે અને દેશમાં ૩૯મા ક્રમે આવ્યું છે. જ્યારે સંસ્કારી નગરી વડોદરા લીવેબલ સીટી તરીકે ગુજરાતનું પ્રથમ નંબરનું શહેર બન્યું છે. ત્યારબાદ બીજા ક્રમે રંગીલું રાજકોટ આવે છે. અને ચોથા ક્રમે દાહોદ આવ્યું છે.
કેન્દ્ર સરકારની હાઉસીંગ એન્ડ અર્બન મિનીસ્ટ્રી દ્વારા તાજેતરમાં ઈઝ ઓફ લીવીંગ ઈન્ડેક્ષનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો જેમાં સત્ય હકીકત સામે આવી છે. દેશમાં સૌથી સારા રહેવાલાયક શહેર તરીકે પુને મેદાન મારી ગયું છે. પુને દેશમાં પ્રથમ ક્રમે છે. દેશના ૧૧૧ શહેરોનો સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જેમાં રહેવા માટે શ્રેષ્ઠ શહેરોની જે યાદી જાહેર થઈ તેમાં ગાંધીનગર ૩૯માં ક્રમે છે. પાટનગર ગાંધીનગર શહેરને ૩૮.૧૮ ગુણ મળ્યા છે. ગાંધીનગર એ ગુજરાત રાજ્યની રાજધાની છે. ગ્રીન સિટી તરીકે ઓળખાય છે, ખુલ્લી જગ્યા છે. બગીચાઓ છે.
છતાં આ એક નર્યું સત્ય સામે આવ્યું છે. અહીં પાણીનો માથાદીઠ પુરવઠો પણ સમગ્ર દેશની સરખામણીએ વધુ છે. કેન્દ્ર સરકારનું જે માપદંડ છે તે મુજબ પર કેપિટા ૧૫૦ લિટરની જગ્યાએ અહીં ૨૫૦ લિટર પાણીપુરવઠો આપવામાં આવી રહ્યો છે. છતાં રાજ્યની કેપિટલ સિટી ગાંધીનગર રહેવાલાયક શહેર તરીકે ૧થી ૨૦માં ક્રમમાં પણ સ્થાન નથી મેળવી શક્યું. ગાંધીનગરને બીજો સૌથી વધુ મોટો ફટકો ઘનકચરાના નિકાલ માટે કોઈ કાયદેસરની લેન્ડફિલ સાઈડ નથી.
શહેરમાં દૈનિક ૭૦ મેટ્રિક ટન ઘનકચરો પેદા થાય છે, પરંતુ તેના યોગ્ય નિકાલ માટે કોઈ જગ્યા જ નથી. પર્યાવરણની દ્રષ્ટિએ આ એક સૌથી મોટી નકારાત્મક બાબત છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં ગાંધીનગરનો સમાવેશ થયો છે. તે અંતર્ગત મોટામોટા પ્રોજેક્ટ દરખાસ્તમાં બતાવવામાં આવ્યા છે. પરંતુ આ બધું હજુ કાગળ પરની વાતો છે. ગાંધીનગર જેવું દેખાય છે તેવું પુરવાર ન થઈ શક્યું. ગાંધીનગરની વસતી વર્ષ ૨૦૧૧ની વસતી ગણતરી મુજબ, માત્ર ૨.૯૩ લાખ જેટલી છે. હરીયાળું અને રહેવા માટે શાંતિપ્રિય શહેર લોકો ગણાય છે. પરંતુ લોકો આ શહેરમાં સફાઈ વ્યવસ્થાને હજુપણ સુધારો થવો જોઈએ તેવું ઈચ્છે છે તો કેટલાક લોકો હેલ્થકેર સર્વિસને પણ સુધારવાની જરૂર હોવાનું જણાવે છે.
કેન્દ્ર સરકાર દ્વારા દેશના સૌથી શ્રેષ્ઠ રહેવાલાયક શહેરો કયા તે બાબતે ઈઝ ઓફ લીવીંગ ઈન્ડેક્ષ અંતર્ગત દેશના ૧૧૧ શહેરોમાં એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેમાં સંસ્થાકીય, સામાજિક, આર્થિક અને ભૌતિક આ ચાર મુખ્ય માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. આ પેરામીટર્સ આધારસ્તંભોને જુદીજુદી ૧૫ જેટલી કેટેગરીમાં વિભાજીત કરવામાં આવ્યા છે અને ૭૮ જેટલા જીવન મુલ્યાંકનના ધોરણો માટેના સુચકાંકો આપવામાં આવ્યા છે, સર્વેમાં આ તમામ બાબતોને જોવામાં આવ્યા છે અને તે પ્રમાણે સ્કોર આપવામાં આવ્યા છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ યુનાઈટેડ નેશન્સ દ્વારા નક્કી કરવામાં આવ્યો છે તે મુજબ માનવ સુચકાંકને ઉપર લાવવા માટે દેશભરમાં મુલ્યાંકન શરૂ કર્યું છે તેનો મુખ્ય હેતુ શહેરી એરિયામાં જીવન ધોરણ ટકાઉ બને અને સુધરે તે છે.
ઈઝ ઓફ લીવીંગ ઈન્ડેક્ષનો જે સર્વે જાહેર કરવામાં આવ્યો તેમાં ગાંધીનગરને જે કુલ ૩૮.૧૮ સ્કોર મળ્યા છે તેમાં મુખ્ય ચાર આધારસ્તંભ નક્કી કરવામાં આવ્યા છે તે પૈકીમાં ઈકોનોમિક અને એમ્પ્લોયમેન્ટ ક્ષેત્રે ખુબ જ ઓછો ૦.૯૧ ગુણ એટલેકે કુલ સ્કોરના ૧૮ ટકા મળ્યા છે. જ્યારે ફિઝીકલ ક્ષેત્રે જેમાં હાઉસીંગની સુવિધા, ટ્રાન્સપોર્ટેશન, પાણી, લાઈટ, વેસ્ટ વોટર મેનેજમેન્ટ, સોલીડવેસ્ટ મેનેજમેન્ટ, પબ્લિક ઓપન સ્પેસ, મીક્સ લેન્ડ યુઝ એન્ડ કોમ્પેક્ટ સહિતની કેટેગરીનો સમાવેશ થાય છે, તેમાં ગાંધીનગરને ૧૭.૧૩ ગુણ, કુલ સ્કોરના ૩૮ ટકા મળ્યા છે. જ્યારે ઈન્સ્ટીટયુશનલ ક્ષેત્રે ૯.૪ ગુણ એટલેકે કુલ સ્કોરના ૩૮ ટકા તથા સોશિયલ ક્ષેત્રે જેમાં કલ્ચર, એજ્યુકેશન, હેલ્થ અને સેફિ્ટ અને સિક્યોરીટી જેવી કેટેગરીમાં ૧૦.૭૩ ગુણ એટલેકે કુલ સ્કોરના ૪૩ ટકા મળ્યા છે.