ગૃહમંત્રી રાજનાથસિંહે સંકેત આપ્યો છે કે ભારતે સર્જિકલ સ્ટ્રાઈકની જેમ જ પાકિસ્તાન સામે ફરી એકવાર મોટી કાર્યવાહી કરી છે. તેમણે કહ્યું હતું કે બીએસએફના જવાન નરેન્દ્ર નાથની સાથે હાલમાં જ કરવામાં આવેલા અમાનવીય કૃત્યના બદલામાં બે ત્રણ દિવસ પહેલા જ કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ તેઓ આ સંદર્ભમાં માહિતી આપશે નહીં. ઉત્તરપ્રદેશમાં મુજફ્ફરનગરમાં શહીદ ભગતસિંહના જન્મ દિવસે એક આયોજિત કાર્યક્રમમાં પહોંચ્યા બાદ રાજનાથસિંહે કહ્યું હતું કે બીએસએફના ભારતીય જવાન સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. તેઓ હાલમાં કહેશે નહીં પરંતુ ટૂંકમાં જ વિગત જાહેર થશે.
બે ત્રણ દિવસ પહેલા જ પાકિસ્તાન સામે કાર્યવાહી કરવામાં આવી છે. મંચ પર ઉપસ્થિત રહેલા લોકોને પ્રશ્ન કરતા રાજનાથસિંહે કહ્યું હતું કે હાલમાં જ કોઈ કાર્યવાહી કરવામાં આવી છે. તેઓ પોતાના બીએસએફ જવાનોને કહી ચુક્યા છે કે પાકિસ્તાન અમારા પાડોશી દેશ તરીકે છે જેથી પહેલા ગોળી ન ચલાવવામાં આવે પરંતુ બીજી બાજુથી ગોળી ચલાવવામાં આવે તો ગોળી ન ગણવા માટે પણ કહેવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરના સાંબા સેકટરમાં તૈનાત બીએસફ જવાન નરેન્દ્ર નાથ ૧૮મી સપ્ટેમ્બરના દિવસે સરહદ ઉપર શહીદ થઈગયા હતા. પેટ્રોલિંગ ઉપર ગયેલા નરેન્દ્રનાથનો મૃતદેહ પાકિસ્તાનમાં ખેંચી જવામાં આવ્યો હતો. આગલા દિવસે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમને ત્રણ ગોળીઓ મારવામાં આવી હતી. ગળુ કાપી નાખવામાં આવ્યું હતું. ભારત-ચીન સરહદ ઉપર ખેંચતાણના સંદર્ભમાં રાજનાથસિંહે કહ્યું હતું કે અહીં માત્ર ઝપાઝપી થતી રહી છે. ચીની સૈનિકો અને ભારતીય સૈનિકો હથિયારો ઉપાડતા નથી. તેમણે ઉમેર્યું હતું કે એ ચીન જે પહેલા ભારત પર હુમલો કરી ચક્યો છે. આજે તેની સ્થિતિ ભારતની જેટલી જ સમકક્ષ રહી છે.