ભાવનગર એરપોર્ટ પર ગઈકાલે મોડીસાંજે મુંબઈથી આવેલા વિમાનમાંથી ઉતરેલા એક મુસાફર પોતાની રૂા.ર૦ લાખના સોનાના દાગીના ભરેલી બેગ ભુલી અને ચાલ્યા ગયેલા. જેની દાગીના સાથેની બેગ સીઆઈએસએફના ઈન્સ્પેક્ટર સહિત સ્ટાફે મુસાફરને રાત્રિના જ પરત કરી હતી અને પ્રેરક પ્રમાણિક્તા દાખવી હતી.
આ બનાવ અંગે એરપોર્ટ પરના સીઆઈએસએફના ઈન્સ્પેક્ટર કલ્પેશ રામટેકેએ ‘લોકસંસાર’ સાથે ટેલીફોનિક વાતચીત કરતા જણાવેલ કે, ગત મોડીસાંજે મુંબઈથી ભાવનગર આવેલા એર ઈન્ડિયાના વિમાનમાં ભાવનગર આવેલા અભયભાઈ સોમાણી નામના મુસાફર વિમાનમાંથી ઉતર્યા બાદ બહાર વાહનમાં બેસી રવાના થયા હતા. જેમાં તેઓ મોટી બેગ સહિતનો સામાન સાથે લઈ ગયા હતા. જ્યારે પોતાની પાસે રહેલી એક નાની બેગ એકબાજુ રાખેલી જે લઈ જતા ભુલી ગયેલ. બાદમાં રાત્રિના ૯-ર૦ કલાકે સીઆઈએસએફના હે.કો. રાકેશ સાળુકેના ધ્યાને આવતા તેમણે તે બેગ લઈ ઈન્સ્પેક્ટર કલ્પેશ રામટેકેને બતાવેલ. જે બેગને ચેક કરતાં તેમાં સોનાના દાગીના હોવાનું માલુમ પડેલ અને તે આશરે ૭પ૦ ગ્રામ વજનના હોવાનું જાણવા મળેલ.
આ દરમિયાન બેગ કોની છે તે અંગેની જાણકારી મેળવવા સાથે હાલના સમયમાં વિધાનસભા ચૂંટણી સંદર્ભે આચારસંહિતાનો અમલ ચાલુ હોય ત્યારે આટલા મોટા પ્રમાણમાં સોનાના દાગીના મળી આવતા આઈટી વિભાગને પણ જાણ કરવામાં આવતા આઈટી વિભાગના અધિકારીઓ પણ તુરંત જ એરપોર્ટ દોડી આવ્યા હતા અને તપાસ કરી હતી. દરમિયાન બેગ ભુલી ગયેલ મુસાફર અભયભાઈ સોમાણીએ ઘેર જઈ જોતા પોતાની સોનાના દાગીનાવાળી બેગ ન મળતા તુરંત જ તેઓ એરપોર્ટ દોડી આવ્યા હતા. જ્યાં ખરાઈ કર્યા બાદ તેમની સોનાના દાગીના ભરેલી આશરે રૂા.ર૦ લાખના ઘરેણાની બેગ તેમને પરત કરી હતી. આમ, સીઆઈએસએફના જવાનોએ પ્રેરક પ્રમાણિક્તા દાખવી હતી.