સર્જિકલ સ્ટ્રાઈકના બે વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ભારતે પાકિસ્તાનને આજે કઠોર સંદેશ આપ્યો હતો. ચેન્નાઈમાં સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામને કહ્યું હતું કે સર્જિકલ સ્ટ્રાઈકલ પાકિસ્તાનને ભારત તરફથી જવાબ હતો. તેમણે સાફ શબ્દોમાં કહ્યું હતું કે ભલે પાકિસ્તાન આમાંથી બોધપાઠ ન લે પરંતુ સરહદ ઉપર અમારી કાર્યવાહી યથાવત રીતે ચાલી રહેશે. સંરક્ષણ મંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે યુપીના મુજફ્ફરનગરમાં એક દિવસ પહેલા કાર્યક્રમ દરમિયાન ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે ભારતે સર્જિકલ સ્ટ્રાઈકની જેમ જ પાકિસ્તાન પર હાલમાં મોટી કાર્યવાહી કરી છે. રાજનાથસિંહે કહ્યું હતું કે અમારા બીએસએફના જવાનની સાથે પાકિસ્તાને ખૂબ ખરાબ વર્તન કર્યું હતું. તેઓ આ સંદર્ભમાં કોઈ વધારે વિગત માંગતા નથી પરંતુ ચોક્કસપણે કંઈ કાર્યવાહી કરવામાં આવી છે. બે ત્રણ દિવસ પહેલા આ કાર્યવાહીને અંજામ આપ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે.
આજે સંરક્ષણ મંત્રીએ પણ કહ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે આ પ્રકારની કાર્યવાહીથી પાકિસ્તાન ત્રાસવાદીઓને તાલીમ આપવાનું અને ભારતમાં ઘુસાડવાનું બંધ કરશે. ઉરી હુમલામાં ૧૭ જવાનો શહીદ થયા બાદ ૨૮-૨૯ સપ્ટેમ્બર-૨૦૧૬ના દિવસે સૈનિકોએ પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ઘુસી જઈને સર્જિકલ હુમલા કર્યા હતા. બે વર્ષ બાદ આની પરાક્રમ પર્વ તરીકે ઉજવણી થઈ રહી છે.
નિર્મલા સીતારામને કહ્યું હતું કે ઉરીના ત્રાસવાદીઓને પાકિસ્તાનનું સમર્થન હતું. રશિયા પાસેથી હથિયારોની ખરીદીને લઈને અમેરિકાની નારાજગી વચ્ચે સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું કે એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમને લઈને લાંબા સમયથી વાતચીત ચાલી રહી છે.
હવે આ વાતચીત એવા તબક્કામાં પહોંચી ચુકી છે કે જ્યાં અંતિમ તબક્કામાં વાત પહોંચવી જોઈએ. ઈશારામાં ભારતની કટિબદ્ધતાનો સંકેત આપતા તેમણે કહ્યું હતું કે રશિયા પાસેથી હથિયારો ખરીદી કરવાની બાબત અમારી હંમેશા પ્રાથમિકતા રહી છે. રાફેલ ડીલ ઉપર વિરોધ પક્ષોના પ્રશ્નોનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે તેઓ સંસદમાં સ્પષ્ટતા કરી દેશે કે આ પ્રશ્નનો જવાબ ચાર વખત આવી ચુક્યા છે.